• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર

એરન જોર્જના 85 રન અને કનિષ્ક ચૌહાણનો ઓલરાઉન્ડ દેખાવ

દુબઈ, તા.14 : ભારતીય યુવા ટીમ પાકિસ્તાનને કચડીને અન્ડર-19 એશિયા કપના સેમિ ફાઇનલમાં શાનથી પ્રવેશી છે. આજના ગ્રુપ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો 90 રને જોરદાર વિજય થયો હતો. ભારત તરફથી એરન જોર્જે 8પ રનની સંગીન ઇનિંગ રમી હતી અને કનિષ્ક ચૌહાણે ઓલરાઉન્ડ (46 રન અને 3 વિકેટ) દેખાવ કર્યો હતો. ભારતના 240 રનના જવાબમાં પાકિસ્તાન ટીમ 41.2 ઓવરમાં 1પ0 રને ઢેર થઈ ગઈ હતી. આ મેચમાં ભારતનો 14 વર્ષીય સિતારા ખેલાડી વૈભવ સૂર્યવંશી (પ) નિષ્ફળ રહ્યો હતો.

ભારત તરફથી એરન જોર્જે 88 દડામાં 12 ચોક્કા અને 1 છક્કાથી 8પ રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. જયારે કનિષ્ક ચૌહાણે 46 દડામાં 2 ચોક્કા અને 3 છક્કાથી 46 રન કર્યા હતા. કપ્તાન આયુષ મ્હાત્રે 38 રન કરી આઉટ થયો હતો. વિકેટકીપર અભિજ્ઞાન કુંડુએ 22 રનનું યોગદાન આપ્યું હતું. 49-49 ઓવરના મેચમાં ભારતીય ટીમ 46.1 ઓવરમાં 240 રને ઓલઆઉટ થઈ હતી. પાક. તરફથી મોહમ્મદ સય્યામ અને અબ્દુલ સુભાને 3-3 વિકેટ

લીધી હતી.

241 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ પાક. ટીમ તરફથી એકમાત્ર હુજૈફા અહેસાને સંઘર્ષ કરીને 83 દડામાં 9 ચોક્કા-2 છક્કાથી 70 રન કર્યા હતા. બાકીના તમામ પાક. બેટર નિષ્ફળ રહ્યા હતા. પાછલા મેચમાં વિક્રમી 177 રન કરનાર સમીર મિન્હાસે 9 રન જ કરી શક્યો હતો. કપ્તાન ફરહાન યુસુફ 23 રને આઉટ થયો હતો. યુવા પાક. ટીમ 41.2 ઓવરમાં 1પ0 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપેશ દેવેન્દ્ર અને કનિષ્ક ચૌહાણે 3-3 વિકેટ લીધી હતી. કિશન સિંહને 2 વિકેટ મળી હતી. 90 રનની જીત સાથે ભારતીય ટીમ અન્ડર-19 એશિયા કપમાં સેમિ ફાઇનલમાં નિશ્ચિત બની છે. ભારતનો આખરી ગ્રુપ મેચ મલેશિયા વિરુદ્ધ મંગળવારે રમાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક