• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

ભાજપે ફરી ચોંકાવ્યા : બિહારનાં મંત્રી નીતિન નબીન કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ

બિહારમાં ભાજપની શાનદાર જીતમાં મહત્ત્વનું યોગદાન આપનાર 45 વર્ષીય

નેતાને સોંપાઈ મોટી જવાબદારી : તાત્કાલિક અસરથી પદ સંભાળશે

 

નવી દિલ્હી, તા.14: ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની લાંબા સમયથી ચાલતી ચર્ચા વચ્ચે આજે પક્ષ દ્વારા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષનાં નામની ઘોષણા કરી દેવામાં આવી છે. બિહારની સરકારમાં મંત્રી નીતિન નબીનને ભાજપે આ મોટી જવાબદારી સોંપી છે. પક્ષનાં સંગઠનને મજબૂત બનાવવા અને રાજકીય રણનીતિને ધાર આપવામાં તેમની ભૂમિકાને મહત્વની માનવામાં આવે છે. નબીનની આ નિયુક્તિને બિહારનાં રાજકારણમાં ભાજપનાં સંગઠનાત્મક વિસ્તાર તરીકે પણ જોવામાં આવે છે.

આજે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં નીતિન નબીનને પક્ષનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા પોતાનાં સોશિયલ મીડિયા ઉપર આની અધિકૃત જાહેરાત કરવામાં આવી હતી. નીતિન નબીન તાત્કાલિક અસરથી જે.પી.નડ્ડાનાં સ્થાને પક્ષનું રાષ્ટ્રીય અધ્યક્ષપદ સંભાળશે.

બિહારનાં નીતિન નબીન મજબૂત પકડ ધરાવે છે અને આ વખતે

બિહારમાં ભાજપને અધિક બેઠકો મળવામાં પણ તેમની ભૂમિકાને મહત્ત્વની માનવામાં આવે છે. આ સાથે તેઓ સતત પાંચમીવાર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા છે. તેઓ ફરી એકવાર મંત્રી બન્યા છે. 45 વર્ષીય નબીન પાસે માર્ગનિર્માણ ખાતુ છે. હાલ તેઓ બાંકીપુર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય છે. નબીન છત્તીસગઢ ભાજપનાં પ્રભારી પણ છે. બિહાર સરકારમાં મંત્રી નબીન કાયસ્થ સમુદાયનાં છે. તેઓ ભાજપનાં નેતા કિશોર સિંહાનાં પુત્ર છે.

નીતિન નબીનને પક્ષનાં કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો ભાજપનો આ નિર્ણય ચોંકાવનારો બની રહ્યો છે કારણ કે નડ્ડાનાં સ્થાને કોણ નવા પક્ષ પ્રમુખ બનશે તેની ચર્ચા અને વિચારણા ઘણાં લાંબા સમયથી ચાલી રહી હતી. અનેક નામોની અટકળો પણ ચાલતી હતી. જો કે આમાં નીતિન નબીનનાં નામની કોઈ ચર્ચા હજી સુધી સંભળાઈ નહોતી. આમ, ભાજપે ફરી એકવાર બધાને ચોંકવતો નિર્ણય કર્યો છે. નબીન પક્ષનાં કાર્યકારી અધ્યક્ષ બનેલા ભાજપનાં સૌથી નાની વયનાં નેતા છે. જ્યારે અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે તેમની ઉંમર પ0 વર્ષની હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર December 15, Mon, 2025