દિલ્હીમાં વડાપ્રધાન સાથે મળેલી બેઠકમાં સંગઠનની નવી રચના અને રાજ્ય સરકારની કામગીરી અંગે ચર્ચા
અમદાવાદ,
તા.14 : રાજ્યના મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોચ્યા હતા. એને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની અધ્યક્ષતામાં પીએમ આવાસ ખાતે બેઠક યોજાઇ હતી. સૂત્રો મુજબ આ બેઠક બે તબક્કામાં
અને બે કલાકથી વધુ સમય સુધી ચાલી. બેઠકમાં પ્રથમ તબક્કામાં સંગઠનની નવી રચના અંગે અને
બીજા તબક્કામાં રાજ્ય સરકારની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ટૂંક
સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થઈ શકે છે. તેમાં કમુરતા શરૂ થાય તે પહેલા ભાજપ
સંગઠનનું પ્રદેશ માળખું જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે.
સૂત્રો
મુજબ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ
2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠનની પસંદગી કરવામાં આવશે. સંગઠનમાં
સૌરાષ્ટ્રના નેતાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે, જેથી પ્રદેશીય સંતુલન અને સંગઠનને
વધુ મજબૂત બનાવી શકાય. દિલ્હીથી લીલી ઝંડી મળ્યા બાદ ભાજપ સંગઠનની પ્રદેશ માળખાની નિયુક્તિઓ
થશે. તેમાં 4 પ્રદેશ મહામંત્રી, 6 થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8થી 10 પ્રદેશ મંત્રી, 1
ખજાનચી સહિત 20 થી 25 હોદ્દેદારોની પ્રદેશ ટિમ જાહેર થશે. પ્રદેશ ભાજપના 7 મોરચાના
પ્રદેશ પ્રમુખોના નામો પણ જાહેર થશે. સંગઠનની નવી રચનામાં અનુભવ, કામગીરી અને આવનારી
ચૂંટણીની વ્યૂહરચનાને મુખ્ય આધાર બનાવવામાં આવશે. પ્રદેશ ભાજપનું માળખું જાહેર થયા
બાદ જિલ્લા મહાનગરની ટીમ પણ જાહેર કરાશે.