• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

સિડનીમાં યહૂદીઓ ઉપર આતંકી હુમલો: 12નાં મૃત્યુ

ઈઝરાયલમાં સાતમી ઓક્ટોબરે થયેલા હમાસના હુમલા જેવી ઘટના : સિડનીના પ્રસિદ્ધ બોન્ડી સમુદ્ર તટે હનુક્કા તહેવારમાં 2,000 લોકો એકત્રિત થયા હતા

 

સિડની, તા. 14 : ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા પ્રસિદ્ધ બોન્ડી બીચ ઉપર યહુદીઓ હનુક્કા તહેવાર માટે એકત્રિત થયા હતા. તેવા સમયે ઈઝરાયલમાં સાતમી ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની જેમ અચાનક બે આતંકવાદીએ આવીને અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ બનાવમાં 11 લોકોના મૃત્યુ થયા હતા અને એક હુમલાખોર ઠાર થયો હતો. ગોળીબારમાં 29 લોકોને ઈજા પહોંચી છે. આ ઉપરાંત એકની ધરપકડ કરવામાં આવી છે. ગોળીબાર થતા જ સેંકડો લોકો જીવ બચાવીને સમુદ્ર તટેથી ભાગવા લાગ્યા હતા.આ બનાવ બન્યો ત્યારે અંદાજીત 2000 લોકો એકત્રિત થયા હતા. બનાવ બાદ ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા ગોળીબારને આતંકવાદી હુમલો ઘોષિત કરવામાં આવ્યો હતો. હુમલા બાદ તરત જ પોલીસને બોન્ડીમાં કેમ્પેબલ પરેડમાં એક ગાડી મળી આવી હતી. જેમાં આઈઈડી હોવાથી તાકીદે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ મેલબર્નમાં યોજાનારા હનુક્કા ફેસ્ટિવલને રદ કરી દેવામાં આવ્યો હતો. પીએમ મોદી સહિત દુનિયાભરના નેતાઓએ આ બનાવની નિંદા કરી હતી. બનાવને નજરે જોનારા લોકો અનુસાર બોન્ડી સમુદ્ર તટે હનુક્કા તહેવાર માટે લોકો એકત્રિત થયા હતા. આવા સમયે બે હુમલાખોર એક વાહનમાંથી ઉતર્યા હતા અને બોન્ડી પેવેલિયન પાસે ગોળીબાર શરૂ કર્યો હતો. ગોળીબારનો અવાજ સંભાળતા જ પૂરા વિસ્તારમાં ભાગદોડ મચી હતી. લોકો જીવન બચાવવા માટે ભાગવા લાગ્યા હતા અને સમુદ્ર તટે અફરાતફરી મચી હતી. આ દરમિયાન ગોળીબારમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 29 લોકોને ઈજા પહોંચી હતી. તહેવારની ઉજવણી આતંકી હુમલાના મારણે માતમના માહોલમાં ફેરવાઈ હતી અને સ્થળ ઉપર મૃતદેહો અને ઘાયલ લોકો

પડેલા જોવા મળ્યા હતા. ન્યુ સાઉથ વેલ્સ પોલીસ અનુસાર કાર્યવાહી દરમિયાન એક હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે. જ્યારે એકની ધરપકડ થઈ છે.

હુમલાખોરોમાંથી એક સિડનીના દક્ષિણ પશ્ચિમમાં બોનિરિગનો રહેવાસી નવીદ અકરમ હતો. પોલીસે તેના ઘરે તપાસ શરૂ કરી હતી. ઓસ્ટ્રેલિયાની પોલીસ અનુસાર બનાવની તપાસ કરવામાં આવી રહી છે. તેઓએ લોકોને અપીલ કરી છે કે બનાવ સ્થળેથી દૂર રહેવામાં આવે. બનાવ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપરવાયરલ થયો છે. જેમાં  એક સામાન્ય નાગરીક દ્વારા સાહસ કરીને હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો અને તેના હાથમાં હથિયાર છીનવી લઈને તેની જ સામે તાકી દેવાયું હતું. આ વ્યક્તિના સાહસના કારણે ઘણા લોકોનો જીવ બચી ગયો હતો અને ભાગવાની તક મળી હતી.

ન્યુ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર માલ લૈન્યોન અનુસાર સિડનીના બોન્ડી સમુદ્ર તટે થયેલા ગોળીબારને આતંકવાદી ઘટના ઘોષિત કરવામાં આવી છે. લૈન્યોને પુષ્ટિ કરી હતી બે બે જ્ઞાત સંદિગ્ધ છે. એકનું મૃત્યુ થયું છે અને એક હોસ્પીટલમાં ગંભીર હાલતમાં છે.

આ બનાવ બન્યો તે સમયે ઈંગ્લેન્ડનો પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન માઈકલ વોન પણ સ્થળ ઉપર હતો. જીવ બચાવવા માટે તે નજીકના એક રેસ્ટોરામાં છુપાયા હતા અને બાદમાં પોતાના અનુભવને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. બનાવમાં ઈઝરાયલ-ઓસ્ટ્રેલિયા યહુદી પરિષદના અધ્યક્ષ આર્સેન ઓસ્ટ્રોવસ્કીને પણ ઈજા પહોંચી હતી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ઘટનાને ભયાનક અને દુ:ખદ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે બોન્ડીના દ્રશ્યો હૃદય કંપાવનારા છે અને તેઓની સંવેદના તમામ પ્રભાવિતોની સાથે છે. પોલીસ અને ઈમર્જન્સી સેવાઓ સ્થળ ઉપર તરત પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. આ પુરા બનાવની તપાસ ચાલી રહી છે.

ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સાઆરે બનાવને યહુદી વિરોધી હિંસાનું પરિણામ ગણાવ્યું હતું અને ઓસ્ટ્રેલિયન સરકાર સમક્ષ સખત કાર્યવાહીની માગણી કરી હતી.

બોન્ડી બીચ ઉપર થયેલા ગોળીબારના બનાવ ઉપર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતની જનતા તરફથી એવા તમામ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. જેઓએ હુમલામાં પ્રિયજનને ગુમાવ્યા છે. આ દુ:ખના સમયમાં ભારત ઓસ્ટ્રેલિયાની જનતાની સાથે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર December 15, Mon, 2025