આવા
છોકરાઓને પાઠ ભણાવવાની જરૂર : માતા-પિતા સંસ્કાર કેળવવામાં નિષ્ફળ
નવી
દિલ્હી, તા.13 : મુંબઈમાં જુલાઈ 2024માં થયેલા બીએમડબલ્યૂ હિટ-એન્ડ-રન કેસમાં આરોપી
મિહિર શાહને સુપ્રીમ કોર્ટે જામીનનો સાફ ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે આવા છોકરાઓને
પાઠ ભણાવવાની જરૂર છે અને તેમનાં માતા-પિતા પણ તેમનામાં સારા સંસ્કારો કેળવવામાં નિષ્ફળ
રહેવા બદલ દોષિત છે.
સુપ્રીમ
કોર્ટે શુક્રવારે જુલાઈ 2024ના હિટ-એન્ડ-રન કેસમાં 24 વર્ષીય આરોપી મિહિર શાહને જામીન
આપવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે એ નોંધ્યું કે આરોપી એક શ્રીમંત પરિવારમાંથી આવે છે
અને તેના ઉદ્યોગપતિ પિતા, રાજેશ શાહ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના પૂર્વ
નેતા હતા.
જસ્ટિસ
દીપાંકર દત્તા અને એ.જી. મસીહની બેન્ચે બોમ્બે હાઇ કોર્ટના 21 નવેમ્બરના નિર્ણય સામે
દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી. બેન્ચે કહ્યું તે (આરોપી) શું કરે છે ? તે મોડી
રાત્રે તેની મર્સિડીઝમાં ઘરે આવે છે, તેને શેડમાં પાર્ક કરે છે, પછી તેની બીએમડબલ્યૂ
કાઢે છે, તેનાથી લોકોને ટક્કર મારે છે અને પછી ભાગી જાય છે. આવાં કૃત્યો માટે તેને
જેલમાં જ રહેવા દો. આરોપી વતી હાજર વકીલ રેબેકા જોને સ્વીકાર્યું કે આ કેસમાં હકીકતો
કંઈક અંશે ચિંતાજનક છે. હાઇકોર્ટે મુખ્ય સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યા પછી મિહિર શાહને
ફરીથી જામીન માટે અરજી કરવાની મંજૂરી આપી હતી. જેના પર બેન્ચે સૂચવ્યું તે કિસ્સામાં
તમે અરજી પાછી ખેંચી શકો છો. ત્યારબાદ બેન્ચે જામીન અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી.