ત્રીજા T-20 મેચમાં ભારતના ઘાતક બોલિંગ આક્રમણ સામે આફ્રિકા 117 રનમાં ડૂલ
ભારતે
15.3 ઓવરમાં 3 વિકેટે 120 રન કરી જીત મેળવી
ધર્મશાલા
તા.14: બોલરોના ઘાતક દેખાવની મદદથી ત્રીજા ટી-20 મેચમાં દ. આફ્રિકા વિરૂધ્ધ ભારતનો
7 વિકેટે સરળ વિજય થયો હતો. આથી પ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 2-1થી આગળ થઇ હતી. ભારતના
ઝડપી અને સ્પિન બોલિંગ આક્રમણ સામે આફ્રિકી ટીમ 20 ઓવરમાં ફકત 117 રન જ કરી શકી હતી.
બાદમાં ભારતે 2પ દડા બાકી રાખીને 1પ.3 ઓવરમાં 3 વિકેટે 120 રન કરી જીત મેળવી હતી. તિલક
વર્મા 26 અને શિવમ દૂબે 10 રને નોટઆઉટ રહ્યા હતા.
118
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત ઝડપી રહી હતી. અભિષેક અને શુભમન વચ્ચે પહેલી
વિકેટમાં 60 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. અભિષેક 18 દડામાં 3 ચોક્કા-3 છક્કાથી 3પ રને
અને શુભમન 28 રને આઉટ થયા હતા. કપ્તાન સૂર્યકુમાર (12) ફરી નિષ્ફળ રહ્યો હતો. આફ્રિકા
તરફથી એનગિડી, યાનસન અને બોશને 1-1 વિકેટ મળી હતી.
અગાઉ
ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય સફળ સાબિત થયો હતો.
ભારતના પેસ એન્ડ સ્પિન એટેક સામે દક્ષિણ આફ્રિકા ટીમ નતમસ્તક થઇ ગઇ હતી. એડન માર્કરમની
61 રનની કેપ્ટન ઇનિંગ છોડીને અન્ય કોઇ આફ્રિકી બેટર ક્રિઝ પર પગ જમાવી શકયો ન હતો.
આથી આફ્રિકાનો 20 ઓવરમાં 117 રનના મામૂલી સ્કોર પર સંકેલો થયો હતો. ભારત તરફથી અર્શદીપ
સિંઘ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. જયારે શિવમ
દૂબે અને હાર્દિક પંડયાને 1-1 વિકેટ મળી હતી.
આફ્રિકાની
શરૂઆત કંગાળ રહી હતી. ટોચની પ વિકેટ અનુક્રમે 1, 1, 7, 30 અને 44 રને પડી હતી. આ દરમિયાન
કિવંટન ડિકોક 1, રીઝા હેન્ડ્રિકસ 0, ડેવાલ્સ બ્રેવિસ 2, ટ્રિસ્ટન સ્ટબ્સ 9 અને કોબિન
બોશ 4 રને આઉટ થયા હતા. શરૂઆતમાં જ હર્ષિત રાણા ત્રાટક્યો હતો. તેણે બે વિકેટ લઇને
ભારતને સારી શરૂઆત આપી હતી. આ પછી અન્ય બોલરોએ આફ્રિકાને ભીંસમાં લીધું હતું. દબાણની
સ્થિતિમાં આફ્રિકી કેપ્ટન એડન માર્કરમે 46 દડામાં 6 ચોક્કા-2 છક્કાથી 61 રન કરી પોતાની
ટીમનો સંપૂર્ણ રકાસ અટકાવ્યો હતો. તેના સિવાય ડેનોવાન ફરેરાએ 20 અને એનરિક નોત્ઝેએ
12 રન કર્યા હતા. બાકીના તમામ આફ્રિકી બેટર્સ સીંગલ ફીગરમાં આઉટ થયા હતા.