• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

જામજોધપુરના પાટણ ગામે ખેડૂત યુવાને બીમારીથી કંટાળી અગ્નિસ્નાન કર્યું

જામનગર, તા.18: જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગીગાભાઈ કરસનભાઈ તરખાલા નામના 45 વર્ષના ખેડૂત યુવાને ગઈકાલે પોતાના ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાજી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની દેવીબેન ગીગાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ બનાવના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ગીગાભાઈના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક છેલ્લા 12 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેઓની દવા ચાલુ હતી. પરંતુ કોઈ ફેર નહીં પડતાં બીમારીથી કંટાળી જઈ આત્મહત્યાનું

પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે.

શ્રમિકનું મૃત્યુ: : ધ્રોલમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલાં આશાપુરા મંડપ સર્વિસના ગોડાઉનમાં એક અકસ્માત સર્જાયો હતો. મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સોબા સેગવા ગામના વતની અને અહીં મજૂરી કામ કરતા 45 વર્ષીય ભારતાસિંહ રણછોડભાઈ પટેલીયાનું બીજા માળની છત પરથી નીચે પટકાવવાને કારણે મૃત્યુ નિપજ્યું હતું. મૃતક ભારતાસિંહ ધ્રોલ મુકામે આશાપુરા મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતા હતા. ગત તારીખ 19ના રોજ રાત્રિના સમયે કામ  પૂર્ણ કરી તેઓ ગોડાઉનના બીજા માળે છત પર સુવા માટે ગયા હતા.

રાત્રિના સમયે તેઓ લઘુશંકા કરવા માટે ઉઠયા હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ સીધા છત પરથી જમીન પર પટકાયા હતા. આ ઘટનાને પગલે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના ભાઈ નાયકાભાઈ રૂબશીભાઈ પટેલે પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક