• મંગળવાર, 07 એપ્રિલ, 2026

પોરબંદર : એરપોર્ટ રોડ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 યુવાનનાં મૃત્યુ

હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ત્રણના શ્વાસ થંભ્યા : ચોથા યુવાને જામનગર રિફર કરતી વખતે ખંભાળિયા પાસે અંતિમ શ્વાસ લીધા

પોરબંદર, તા.6 : શહેરમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના એરપોર્ટ રોડ પર બે મોટરસાઇકલ વચ્ચે થયેલી સીધી અને પ્રચંડ ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક 14 વર્ષીય કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરુણ દુર્ઘટના આજે વહેલી સવારે 5:00થી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી. બે મોટરસાઇકલ સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બન્ને બાઇક પર સવાર પાંચેય યુવાન રોડ પર જોરદાર રીતે ફંગોળાયા હતા. રસ્તા પર બાઇકના સ્પેરપાર્ટ્સ અને કાચના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા, જે અકસ્માતની તીવ્રતાની સાક્ષી પૂરતા હતા.

સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ પાંચેય યુવાનને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણ યુવાનના શ્વાસ થંભી ગયા હતા. જ્યારે અન્ય એક યુવાન પીયૂષ લોઢારીને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ખંભાળિયા નજીક તેનું પણ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનો પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

મિલન નારણભાઈ બાદરશાહી (ઉં.વ. 26), દિપેશ નીતિનભાઈ ઢાકેચા (ઉં.વ. 18), વનરાજ મનિષભાઈ ઝાલા (ઉં.વ. 17), પીયૂષ કિશોરભાઈ લોઢારી (ઉં.વ. 24) આ અકસ્માતમાં 14 વર્ષીય પ્રતીક નિલેશભાઈ જેઠવા (રહે. વિરડી પ્લોટ) ને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જે હાલ પોરબંદરની ભાવાસિંહજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા અનુસાર તેની હાલત હાલ સ્થિર છે. 

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. હોસ્પિટલ પરિસરમાં મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત પાછળનાં ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોના આશાસ્પદ રત્નો છીનવી લેતા સમગ્ર પોરબંદર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક