પોરબંદર
તા.24 : પોરબંદરના છાયામાં આવેલી લોહાણા મહાજનવાડી પાછળ રહેતા શિક્ષિકા સંધ્યાબેન અનિલભાઈ
પુરોહિત ઉ.વ. 29 અને ઝુરીબાગમાં રહેતા શિક્ષિકા લલિતાબેન હિતેશભાઈ વાસણ ઉ.વ. 42 નિત્યકમ
પ્રમાણે સવારે નવેક વાગ્યે નેવી ચિલ્ડ્રન સ્કૂલ ખાતે ફરજ ઉપર જતા હતા ત્યારે બોખીરાના
સતિઆઈ મંદિર પાસે પહેંચ્યા ત્યારે બેફામ સ્પીડે આવતા ટ્રકના ચાલકે શિક્ષિકાઓના સ્કૂટરને
અડફેટે લઇને ઠોકર મારી દેતા બંને શિક્ષિકાઓ ફંગોળાઇ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં
પડી ગયા હતા. બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલ
શિક્ષિકાઓને સારવાર માટે સરકારી ભાવાસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં
સારવાર દરમ્યાન લલિતાબેન વાસણ નામના શિક્ષિકાનું મૃત્યુ થયું હતું જ્યારે સંધ્યાબેન
પુરોહિતને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા વોર્ડ નં.
1ના કોર્પોરેટર અજયભાઇ બાપોદરા અને નેવી ચિલ્ડ્રન સ્કૂલના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં
હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. કોર્પોરેટર અજયભાઇ બાપોદરાએ જણાવ્યું હતું કે જયુબેલી
પુલથી બોખીરાના સતિઆઈ મંદિર તરફ જતા રસ્તે સતિઆઇના મંદિર સામે બેરીકેટ મુકવા જોઇએ,
એટલું જ નહી પરંતુ અહીંયા નેત્રમના સી.સી.ટી.વી. પણ રાખવા જરૂરી બન્યા છે.