• મંગળવાર, 14 જુલાઈ, 2026

પોરબંદર : સૂરજ પેલેસ સહિતની મિલકતો પચાવી પાડવાનો હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રાબિંગનો ગુનો

ભુરા મુંજાના યુ.કે. રહેતાં પત્ની ચૌલાબેને કમલાબાગ પોલીસમથકમાં નોંધાવી ફરિયાદ : જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાશે

પોરબંદર, તા.13 : જુદા-જુદા ગુનાઓના લીધે હાલ જૂનાગઢ જેલમાં બંધ પોરબંદરનાં હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. પોરબંદરના જાણીતા ભુરા મુંજા કડછાનાં પત્ની ચૌલાબેને હિરલબા સામે કરોડોની કિંમતી મિલકતો પચાવી પાડવા અંગે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા (લેન્ડ ગ્રાબિંગ એક્ટ) હેઠળ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

યુ.કે. રહેતા 70 વર્ષીય ફરિયાદી ચૌલાબેન કડછાના જણાવ્યા મુજબ, 1998માં તેમણે વાડી પ્લોટ પાસે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં ઝવેરી બંગલો (સૂરજ પેલેસ) તથા આજુબાજુના પ્લોટ પોતાના અને પુત્ર ભરતનાં નામે ખરીદ્યા હતા. વર્ષ 1995માં ભુરા મુંજા પર ટાડાનો કેસ થયો ત્યારે હિરલબાએ વકીલ તરીકે મદદ કરી હતી, જેનાં કારણે તેઓ પરિચયમાં આવ્યા હતા. વર્ષ 2016માં ભુરાભાઈના અવસાન બાદ, હિરલબાએ આ બધી મિલકતો પોતાની હોવાનું કહી ચૌલાબેનને બંગલામાંથી કાઢી મૂક્યા હતા અને દસ્તાવેજો કબજામાં લઈ લીધા હતા. અંતે ચૌલાબેને મિલકતના દસ્તાવેજોની ખરી નકલો મેળવી કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રાબિંગની અરજી કરી હતી. તપાસના અંતે કલેક્ટર કચેરીની મંજૂરી બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. અંદાજે 1.20 કરોડની કિંમતના અને 1865.34 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા સૂરજ પેલેસ સહિત કુલ 13 પ્લોટ પર હિરલબાએ ગેરકાયદે કબજો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

અગાઉ વ્યાજવટાવ અને સાયબર ક્રાઇમ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હિરલબા હાલ જેલમાં હોવાથી, સિટી ડીવાય.એસ.પી. ઋતુ રાબાના જણાવ્યા અનુસાર કોર્ટની મંજૂરી મેળવી ટ્રાન્સફર વોરંટ દ્વારા તેમનો કબજો મેળવી આગળની પૂછપરછ હાથ ધરાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026