• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

ત્રિશા-ગાયત્રીએ બ્રોન્ઝ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

બેડમિંટન ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચવાની આશા ખતમ થવા છતાં સમર્થકોનું દિલ જીત્યું : 15 વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો

નવી દિલ્હી, તા. 22 : નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શનિવારે બેડમિંટનનો ખુબ જ રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. ભારતની સ્ટાર બેડમિંટન જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચતા ચુકી હતી પણ પોતાની શાનદાર રમતથી ભારતીયોનું દિલ જીતી લીધું હતું.

મહિલા ડબલ્સના સેમીફાઈનલમાં ભારતીય જોડીનો સામનો વર્લ્ડ નંબર 1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનની લિયૂ શેંગશુ અને ટેન નિંગ સામે હતો. એક કલાક અને 11 મિનિટ ચાલેલા મુકાબલામાં ત્રિશા-ગાયત્રીને 21-18, 13-21, 8-21થી હારનો સામનો કરવો પડયો હતો. 

એક સમયે ચીનની ટીમ 18-16થી આગળ હતી પણ ત્રિશા અને ગાયત્રીએ જોરદાર જુસ્સો બતાવીને સતત પાંચ પોઈન્ટ મેળવી પહેલી ગેમ 21-18થી નામે કરી લીધી હતી. જો કે બાદમાં ચીની જોડીએ રણનીતિ બદલી હતી અને બીજી ગેમથી સ્થિતિ પલટાઈ હતી. ચીનની જોડીએ દબાણ બનાવીને બીજો સેટ 21-13થી જીતી લીધો હતો અને નિર્ણાયક સેટમાં ચીન પુરી રીતે હાવી રહ્યું હતું અને 21-8થી સેટ નામે કરી લીધો હતો. જો કે ત્રિશા-ગાયત્રીએ 15 વર્ષનો દુષ્કાળ પુરો કર્યો છે. જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પા બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી ત્રિશા-ગાયત્રી ભારતની માત્ર બીજી મહિલા ડબલ્સ જોડી બની છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક