અમરેલી, તા.25 : અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામના દિવ્યાંગ અરજદાર દ્વારા સાંથળીના અથવા તો જંત્રીના ભાવે જમીન ફાળવવા અંગે લાંબા સમયથી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ના થતા તેઓએ જમીન ફાળવવાની માગ સાથે પોતાની બહેન સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં કલેક્ટર કચેરી ખાતે ભારે દોડધામ મચી જવા પામી હતી.
આ બનાવમાં કોટડાપીઠા ગામના દિવ્યાંગ
અરજદાર વાલજીભાઈ ખુમાણ દ્વારા સાથળી અથવા જંત્રીના ભાવે જમીન ફાળવવા અંગે લાંબા સમયથી
તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી હતી. તેમ છતાં તેમની માંગ અંગે સંતોષકારક
કોઈ કાર્યવાહી ન થતાં તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમણે પોતાની માંગનો
યોગ્ય નિકાલ નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી.
જોકે પોલીસે સમયસૂચકતા વાપરી અરજદારના આત્મવિલોપનના પ્રયાસને અટકાવી દીધો હતો.
આ ઘટનાની જાણ થતાં પોલીસ અને
સ્થાનિક તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ અરજદાર સાથે વાતચીત
કરી તેમની રજૂઆત સાંભળી હતી. તંત્ર દ્વારા યોગ્ય પ્રત્યુત્તર અને કાર્યવાહી કરવાની
ખાતરી આપવામાં આવતા વાલજીભાઈ ખુમાણે હાલ આત્મવિલોપનનો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો
અને ત્યારબાદ કલેક્ટર કચેરીથી પરત ફર્યા હતા.
અરજદાર વાલજીભાઈ ખુમાણે જણાવ્યું
હતું કે, “મારી સાથે મારી બે વિધવા બહેન અને મારા ભાઈની એક અંધ બાળકી પણ રહે છે. હાલ
પરિવારમાં કમાવાવાળું કોઈ નથી. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જમીન
ફાળવવા અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી મને જમીન ફાળવવામાં આવી
નથી.’’