ગોંડલ,તા.20: રાજકોટ નેશનલ હાઈવે પર બિલિયાળા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ પરથી યુવાનનો ગતરાત્રે ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ અને એલ.સી.બી.નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવાનનાં મૃતદેહને ફોરેન્સિક પી.એમ.માં રાજકોટ ખસેડાયો હતો.
ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતો
28 વર્ષીય પ્રતિક કિશોરભાઈ સૌંદરવા પરફેક્ટ રિસોર્ટમાં નોકરી કરતો હતો. ગત સાંજે તે
પોતાના ઘરેથી બાઈક લઈને પરિવારજનોને તે હિસાબના કામે પરફેક્ટ હોટલ જઈ રહ્યો હોવાનું
જણાવ્યું હતું. જોકે, મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ અને મિત્રોએ તેની
શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રાત્રીના રાજકોટ
નેશનલ હાઈ-વે પર બિલિયાળા ગામ નજીક સર્વિસ રોડ પર તેનું બાઈક બિનવારસી હાલતમાં મળી
આવ્યું હતું. થોડે દુર પ્રતિકનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ
થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક
પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોનાં જણાવ્યાં
મુજબ પીએમ રિપોર્ટમાં ઝેરી દવાથી મૃત્યુ થવાનુ જણાવાયું હોય પ્રતિકે ઝેરી દવા પી લીધાનાં અનુમાન સાથે તપાસ હાથ ધરાઇ
છે. મૃતક પ્રતિક પરણિત હતો અને તેને દોઢ વર્ષનો એક નાનો પુત્ર છે. તે બે ભાઈઓમાં નાનો
હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.