અમેરિકાના
ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલાં નવા ડેટાસેટ બહાર આવી તસવીર : વિપક્ષે સવાલોનો
મારો ચલાવ્યો, સરકાર પાસેથી માગ્યા જવાબ
નવી
દિલ્હી, તા.21: દુનિયાભરનાં દેશોની રાજનીતિ અને ઉદ્યોગજગત સહિત સમાજનાં કહેવાતાં ભદ્રવર્ગનો
ચહેરો ઉઘાડો પાડતાં અમેરિકાનાં યૌનશોષણનાં અપરાધી જેફ્રી એપસ્ટીનની ફાઈલમાંથી હવે કેન્દ્રીય
મંત્રી હરદીપ સિંહ પુરીની તસવીરો સામે આવતાં ભારતીય રાજકારણમાં હોબાળો મચી ગયો છે.
વિપક્ષી પક્ષોએ પુરી અને એપ્સ્ટીન વચ્ચે થયેલી મુલાકાતોના હેતુ, પુરીનાં અગાઉનાં નિવેદનો
તથા કેન્દ્ર સરકારની જવાબદારી અંગે સવાલો ઉઠાવ્યા છે.
અમેરિકાના
ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એપ્સ્ટીન ફાઇલ્સના ડેટાસેટ-9માં પુરી અને એપ્સ્ટીનની
તસવીર છે. તેમાં બંને એક ટેબલની સામસામે બેઠેલા દેખાય છે. આ જ મુલાકાત સાથે સંબંધિત
ઓછામાં ઓછી 10 મળતી આવતી તસવીરો બહાર આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શિવસેના
(યુટીબી)ના સાંસદ સંજય રાઉતે સોશિયલ મીડિયામાં તસવીર શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર
મોદી સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે પુરી એપ્સ્ટીનને એકલા કેમ મળી રહ્યા હતા અને શું તેઓ
વડાપ્રધાનનો કોઈ સંદેશ લઈને ગયા હતા? તસવીરો સામે આવ્યા બાદ મુલાકાતોનો વાસ્તવિક સંદર્ભ સ્પષ્ટ થવો જોઈએ. તૃણમૂલ
કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ પુરીના અગાઉના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. પુરીએ
અગાઉ કહ્યું હતું કે એપ્સ્ટીન સાથે તેમની ત્રણ કે વધુમાં વધુ ચાર વખત મુલાકાત થઈ હતી
અને આ મુલાકાતો પ્રતિનિધિમંડળના ભાગરૂપે થઈ હતી. મોઇત્રાએ વ્યંગાત્મક રીતે સવાલ કર્યો
કે જો આ મુલાકાતો પ્રતિનિધિમંડળ સાથે થઈ હતી, તો તસવીરોમાં દેખાતી મુલાકાતો દરમિયાન
અન્ય સભ્યો ક્યાં હતા? કોંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ સવાલ ઉઠાવ્યો હતો
કે શું પુરીએ અગાઉ એવું કહ્યું નહોતું કે તેમની એપ્સ્ટીન સાથે ક્યારેય એકલામાં મુલાકાત
થઈ નથી? કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે સવાલ કર્યો હતો કે એપ્સ્ટીન સાથે પુરીના
સંપર્કોની જાણકારી હોવા છતાં વડાપ્રધાને શું પગલાં લીધાં? વેણુગોપાલે મહિલા સુરક્ષા
અને મહિલા સશક્તિકરણના મુદ્દે પણ સરકાર પાસે જવાબ માગ્યો હતો. એનસીપી (શરદચંદ્ર પવાર)ના
પ્રવક્તા અનીશ ગાવંડેએ આ તસવીરોને ગંભીર ગણાવીને પુરી પાસે એપ્સ્ટીન સાથેની મુલાકાતોના
હેતુ અંગે સ્પષ્ટતા માગી હતી.
ઉલ્લેખનીય
છે કે, અગાઉ એપસ્ટીન ફાઈલ્સમાં નામ બહાર આવ્યા બાદ ફેબ્રુઆરી 2026માં પુરીએ પોતાનાં
બચાવમાં સ્પષ્ટતા કરી હતી કે, અમેરિકામાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમની એપ્સ્ટીન સાથે
ત્રણ કે વધુમાં વધુ ચાર વખત મુલાકાત થઈ હતી. પુરીના જણાવ્યા અનુસાર આ મુલાકાતો પણ પ્રતિનિધિમંડળના
ભાગરૂપે થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે વાતચીતનો હેતુ ભારતમાં રોકાણ અને ડિજિટલ વ્યવસાયની
તકોને પ્રોત્સાહન આપવાનો હતો. પુરીએ એપ્સ્ટીનના ગુનાહિત કૃત્યો સાથે કોઈ પણ પ્રકારનો
સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે.
અમેરિકાના
ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં પુરી અને એપ્સ્ટીન વચ્ચેના ઈ-મેઇલ સંવાદોનો
પણ ઉલ્લેખ છે. આ સંવાદોમાં ભારતની આર્થિક સંભાવનાઓ અને લિંક્ડઇનના સહ-સ્થાપક રીડ હોફમેનની
ભારત મુલાકાત જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. જેફ્રી એપ્સ્ટીન પર સગીરોનાં જાતીય શોષણ
અને જાતીય હેરફેરના ગંભીર આરોપો હતા. વર્ષ 2019માં કસ્ટડી દરમિયાન તેનું મૃત્યુ થયું
હતું.