• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

પીઓકેમાં 24મીથી મોટા આંદોલનની તૈયારી : ફરી હિંસાની ભીતિ

-જેએસી સાથે પાક. સુરક્ષા અધિકારીઓ સમાધાન નહીં કરે તો હાલત થશે બેકાબૂ

નવી દિલ્હી, તા.21: પાકિસ્તાન કબ્જાગ્રસ્ત જમ્મુ-કાશ્મીર(પીઓજેકે)નાં પૂંચ ડિવીઝનમાં જમ્મુ-કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી(જેએસી) દ્વારા ફરી એકવાર 24મી ઓક્ટોબરથી આંદોલનનાં મંડાણની તૈયારી કરી લેવામાં આવી છે.

ક્ષેત્રમાં ઈન્ટરનેટ નિયંત્રણ, આંશિક બંધ બજારો, આવશ્યક ચીજોની તંગી અને રાજકીય પ્રતિનિધિત્વ મુદ્દે હજીપણ તનાવ બરકરાર છે. સુરક્ષા એજન્સીઓનાં જણાવ્યા અનુસાર કોટલીને આંદોલનનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને ત્યાં વિશાળ જનસભા યોજાવાની છે. આ દિવસે રાવલાકોટ અને અબ્બાસપુરમાં ચાલતા ધરણા કોટલીની મુખ્ય જનભસામાં સામેલ થશે. આ ઉપરાંત મુઝફ્ફરાબાદ અને મીરપુરમાં ચક્કાજામની તૈયારી પણ થઈ ગઈ છે. ક્ષેત્રમાં સંચાર સેવાઓ પણ હજી સામાન્ય બની નથી.

જો 24 ઓક્ટોબરનાં આંદોલન પહેલા સ્થાનિક કઠપૂતસળી સરકાર અને પાકિસ્તાનનાં સુરક્ષા અધિકારીઓ દ્વારા જેએસીનાં નેતૃત્વ સાથે કોઈ નક્કર અને રાજકીય સમજૂતી નહીં કરવામાં આવે તો પછી હાલત બેકાબૂ થઈ શકે છે અને આંદોલન ઉગ્ર બની શકે છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચાલેલા આંદોલનમાં પાક. સેનાએ 1પ0 જેટલા આંદોલનકારીઓની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત 200 જેટલી મહિલા અને યુવતીઓનાં અપહરણ પણ થયા હતાં. જેનો હજી સુધી કોઈ પતો લાગ્યો નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક