• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

લીંબડી-સુરેન્દ્રનગર રોડ પરથી ગાંજાના જથ્થા સાથે બે શખસ ઝડપાયા

 

ધ્રાંગધ્રા, તા.21 : લીંબડી-સુરેન્દ્રનગર રોડ પર આવેલા સમલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રિક્ષામાં લઈ જવાતો 2 કિલો 70 ગ્રામ ગાંજાના જથ્થા સાથે સુરેન્દ્રનગરની એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બે શખસને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક આરોપીને પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું છે.

એન્ટી નાર્કોટિક્સ વિંગના પી.આઇ. ડી.એ. ક્રિશ્ચિયન તથા સ્ટાફ લીંબડી ડિવિઝન વિસ્તારમાં પેટ્રાલિંગમાં હતા. દરમિયાન કોન્સ્ટેબલ રાજેન્દ્ર રાણાભાઈ અલગોતરને બાતમી મળી હતી કે, લીંબડી તરફથી બે શખસ રિક્ષામાં સુકો ગાંજો લઈ સુરેન્દ્રનગર તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે સમલા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતી રિક્ષાને અટકાવી તપાસ હાથ ધરવામાં આવતા રિક્ષામાંથી 2 કિલો 70 ગ્રામ સુકો ગાંજાના જથ્થા સાથે હિતેષ હેમુભાઈ ગાંગડિયા અને પ્રવીણ લાલજીભાઈ સારલાને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે પૃથ્વીરાજાસિંહ રાજપૂત નામના અન્ય એક આરોપીને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન સુકો ગાંજો, બે મોબાઇલ, રિક્ષા અને રોકડ રકમ સહિત કુલ રૂ.2,24,110નો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક