• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ઈશાક ડારનાં મોઢે રાજનાથે કહ્યું, આતંક સામે બેવડાં ધોરણ અસ્વીકાર્ય

SCOની બેઠકમાં રક્ષામંત્રીએ પાકિસ્તાનને આડે હાથ લીધું

નવી દિલ્હી, તા.20: રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે તાજાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ)ની કાઉન્સીલ અૉફ હેડ્સ અૉફ ગવર્નમેંટની બેઠકમાં પાકિસ્તાનનું નામ લીધા વિના સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદને કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં અને તેની સામે લડવામાં બેવડા ધોરણો અપનાવી શકાય નહીં.

સિંહે આતંકવાદને વિકાસ સામેના સૌથી ગંભીર જોખમો પૈકી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આતંકવાદ માત્ર લોકોના જીવને નુકસાન પહોંચાડતો નથી, પરંતુ રોકાણ અને વેપાર પર પણ નકારાત્મક અસર કરે છે.

પાકિસ્તાનના વિદેશમંત્રી અને નાયબ વડાપ્રધાન ઇશાક ડારની હાજરીમાં સિંહે કહ્યું હતું કે, આતંકવાદ સમાજમાં કટ્ટરતાને પ્રોત્સાહન આપે છે અને આપણા યુવાનોને તકો અને અવસરોથી વંચિત રાખે છે. આતંકવાદને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. પાકિસ્તાન તરફ સંકેત કરતાં તેમણે કહ્યું હતું કે, જે લોકો આતંકવાદીઓને નાણાકીય સહાય આપે છે, તેનું સમર્થન કરે છે અથવા તેમને સુરક્ષિત આશ્રયસ્થાનો પૂરા પાડે છે, તેમના માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. આતંકવાદના સમગ્ર તંત્રને મક્કમ રીતે અને સામૂહિક પ્રયાસો દ્વારા ખતમ કરવું જોઈએ.

રાજનાથ સિંહે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે ઇશાક ડાર તેમની બરાબર સામે બેઠા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ બેઠકનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સિંહ અને ડાર એક જ ટેબલ પર બેઠેલા જોવા મળે છે.

ઇ-પેપરના નવા શુલ્ક