• શનિવાર, 14 નવેમ્બર, 2026

યુથ ઓલિમ્પિક બોક્સિંગમાં ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, મીતઈ બન્યો ચેમ્પિયન

ક્ષ          આયર્લેન્ડના ક્રિસ્ટિયન જુબાનીને 3-2થી પરાસ્ત કર્યો

 નવી દિલ્હી, તા.13: સેનેગલની રાજધાની ડાકાર ખાતે રમાઈ રહેલા યુથ ઓલિમ્પિકમાં ભારતીય બોક્સિગે એક નવો સુવર્ણ અધ્યાય લખ્યો છે. મણિપુરના યુવા મુક્કેબાજ લૈરેનલાકપમ અંબેકર મીતઈએ શાનદાર પ્રદર્શન કરતા 50 કિલોગ્રામ ભારવર્ગની ફાઇનલમાં આયર્લેન્ડના ક્રિસ્ટિયન જુબાનીને 3-2ના રોમાંચક મુકાબલામાં પરાસ્ત કરી દેશને યુથ ઓલિમ્પિક બોક્સિગનો સર્વપ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

પ્રથમ રાઉન્ડમાં પાંચેય જજોએ આયર્લેન્ડના બોક્સરની તરફેણમાં પોઈન્ટ આપતા મીતઈ પાછળ ધકેલાયો હતો. જોકે, દબાણમાં આવ્યા વિના તેણે બીજા રાઉન્ડમાં વાપસી કરી અને ત્રણ જજોના મત પોતાના પક્ષે કર્યા. અંતિમ અને નિર્ણાયક રાઉન્ડમાં મીતઈના આક્રમક પંચ સામે જુબાની ટકી શક્યો નહીં અને ચાર જજોએ ભારતીય ખેલાડીને વિજેતા ઘોષિત કર્યો. આ ઐતિહાસિક વિજય સાથે મીતઈએ યુથ ઓલિમ્પિકમાં કોઈપણ ભારતીય બોક્સરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.

યુથ ઓલિમ્પિકના ઈતિહાસમાં બોક્સિગ રમતમાં ભારતનો આ કુલ ત્રીજો ચંદ્રક છે, પરંતુ સુવર્ણ ચંદ્રક પ્રથમ વખત મળ્યો છે. અગાઉ વર્ષ 2010માં સિંગાપોર ખાતે યોજાયેલા યુથ ઓલિમ્પિકમાં શિવ થાપાએ 54 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર અને વિકાસ કૃષ્ણને 60 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 ભારતીય દળનું પ્રદર્શન પ્રશંસનીય

ડાકાર ઓલિમ્પિકમાં ભારતીય દળનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. મીતઈના આ ગોલ્ડ મેડલ પૂર્વે ભારતે બેડમિન્ટન, જુડો અને બીચ રેસાલિંગમાં ત્રણ સિલ્વર, જ્યારે સ્વામિંગ, મહિલા 100 મીટર વિઘ્ન દોડ અને વુશુમાં પાંચ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. હવે બોક્સિગમાં ગોલ્ડ પણ મળ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક