6000 વિશિષ્ટ અતિથિઓને આમંત્રણ : સુરક્ષા માટે લાલ કિલ્લા આસપાસ 10,000 જવાનો તૈનાત, સીસીટીવી, ડ્રોન,
એર ડિફેન્સ સિસ્ટમથી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા : સવારે 7.33 વાગ્યે પીએમ મોદી લાલ કિલ્લેથી કરશે સંબોધન
નવી દિલ્હી, તા. 14 : દેશમાં સ્વતંત્રતા દિવસની તૈયારી પૂર્ણ થઈ છે. દર વખતની જેમ આવતીકાલે સ્વતંત્રતા દિવસ ધૂમધામથી ઉજવવામાં આવશે. જેમાં લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.33 વાગ્યે દેશને સંબોધન કરશે. આઝાદી દિવસને અનુલક્ષીને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 10 હજાર સુરક્ષા કર્મચારી, સેંકડો સ્નાઇપર, એર ડિફેન્સ સિસ્ટમ, બે હજાર સીસીટીવી વગેરે તૈનાત છે. આ ઉપરાંત પૂરા સ્થળને અભેદ કિલ્લામાં બદલી નાખવામાં આવ્યું છે.
દિલ્હીના લાલ કિલ્લે યોજાનારા સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થવા 6 હજાર વિશિષ્ટ અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ વખતે 24 અલગ અલગ શ્રેણીના લોકોને બોલાવવામાં આવ્યા છે. જેમાં 250 કિસાન પણ સામેલ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વિમાના 250 લાભાર્થી, કૃષી ઉત્પાદન સંગઠનોના 500 સભ્ય 15 આશા અને એએનએમ કાર્યકર, આંતરિયાળ વિસ્તારમાં કામ કરતા સ્વાસ્થ્ય કર્મચારી, ગ્રામપંચાયતથી 300 મહિલા પ્રતિનિધિ, 150 લખપતિ દીદી અને 150 ડ્રોન દીદી, 100 આદિવાસી કલાકાર, બાલ કલ્યાણ સમિતિની 300 મહિલા કાર્યકર, પેરિસ ઓલિમ્પિકના 150 ખેલાડીઓ, 200 ઇનોવેટર્સ અને એઆઇએમના છાત્રો, પીએમશ્રી યોજનાના 200 છાત્ર વગેરે આમંત્રિતોમાં સામેલ છે.
દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારી વચ્ચે લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ અને સંસદ ભવન સહિત તમામ સરકારી ઇમારતો ઉપર દેશભક્તિનો રંગ જોવા મભળી રહ્યો છે. આઝાદીની ઉજવણી વચ્ચે આતંકી હુમલાનાં સંભવિત જોખમને ધ્યાને લઈને સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવવામાં આવી છે. લાલ કિલ્લા આસપાસના 600 ક્રિટિકલ પોઈન્ટે પુરતી દેખરેખ છે. 700 એઆઇથી સજ્જ કેમેરા અને અન્ય સામાન અને 2000 પોઈન્ટ ટુ ઝૂમ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. મધ્ય અને ઉત્તરી દિલ્હીમાં 10 હજાર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે આસપાસના 500 જેટલા ગેસ્ટ હાઉસને ચેક કરવામાં આવ્યા છે. ઉત્તર દિલ્હીથી મધ્ય દિલ્હી વચ્ચે ઘણા ચેકિંગ પોઇન્ટ બનાવ્યા છે. મળતી વિગત પ્રમાણે લાલ કિલ્લા આસપાસ 6 સ્તરની સુરક્ષા છે. જેને પાર કરવી શક્ય નથી. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય દિલ્હીને 15 ઓગસ્ટના સવારથી નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત રહેશે.
લાલ કિલ્લા આસપાસના 600 સ્થળને ક્રિટિકલ ગણવામાં આવ્યા છે. આ પોઇન્ટે છત, ઘર અને કાર્યાયલોની બારી અને ઉંચી ઈમારત સામેલ છે. જે સ્નાઇપર રેન્જમાં છે. જેના માટે સિવિક સેન્ટર સહિત અમુક જગ્યાએ સાદા કપડાંમાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આસપાસના વિસ્તારોમાં ડ્રોન મારફતે પણ પૂરતી નજર રાખવામાં આવશે જ્યારે સીસીટીવી દ્વારા પોલીસ અધિકારીઓ દરેક હિલચાલ ઉપર બારીકાઈથી નજર રાખશે.