પૂર્વ આદેશનો અનાદર થયો તો અધિકારીઓ જેલમાં જશે: ચેતવણી સાથે ગુજરાત સરકારનો જવાબ માગ્યો
નવી
દિલ્હી, તા.4 : ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે દબાણો હટાવવા શરૂ કરાયેલ બૂલડોઝર એક્શન
પર હાલ રોક લગાવવા સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે. કોર્ટે સોમનાથ મંદિર પાસે ઈદગાહ,
દરગાહ સહિત અનેક ગેરકાયદે બાંધકામ તથા દબાણો પર બૂલડોઝર એક્શન કરવા અંગે ગુજરાત સરકાર
પાસે જવાબ માગ્યો છે. સાથે કોર્ટના પૂર્વ આદેશનો જો અનાદર થયો હશે તો અધિકારીઓને જેલમાં
મોકલવા ચેતવણી આપી છે. આ મામલે વધુ સુનાવણી 16 ઓકટોબરે થશે.
સુપ્રીમ
કોર્ટે શુક્રવારે પ્રભાસ પાટણમાં દરગાહ અને મસ્જિદો સહિત અનેક માળખા તોડી પાડવા વિરુદ્ધ
યથાસ્થિતી જાળવી રાખવા આદેશ આપવા ઈનકાર કર્યો હતો. જો કે કોર્ટે એ બાબત જરૂર ટાંકી
કે જો તેના પૂર્વ નિર્દેશનો ભંગ થયાનું સામે આવ્યું તો રાજ્યના અધિકારીઓને જવાબદાર
ઠેરવવામાં આવશે. જસ્ટિસ ભૂષણ આર.ગવઈ અને કે.વી.વિશ્વનાથનની ખંડપીઠે ચેતવણી આપી કે તોડફોડ
પર કોર્ટની રોકના આદેશના ભંગનું ગંભીર પરિણામ હશે. ન્યાયિક આદેશના અનુપાલન સાથે કોઈ
સમાધાન ન કરી શકાય.
સુપ્રીમે
કહ્યું કે અમે કોઈ નોટિસ કે વચગાળાનો આદેશ જારી કરી રહ્યા નથી પરંતુ અમે સ્પષ્ટ કરીએ
છીએ કે જો અમોને જાણવા મળ્યું કે તે (રાજ્ય) અમારા પૂર્વ આદેશની અવમાનના કરી રહ્યા
છે તો અમે ન માત્ર તેમને જેલમાં મોકલીશું પરંતુ તેમને બધુ બહાલ કરવા પણ કહીશું. અમે
યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપીશું.