• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

મગફળી, તેલ, રૂ બજારમાં આજે મુહૂર્તના સોદા માર્કેટ યાર્ડમાં હવે લાભપાંચમ સુધી રજા,


મગફળી-સીંગતેલમાં સ્થિર ભાવથી સોદા થઈ શકે

 

રાજકોટ, તા.30(ફૂલછાબ ન્યૂઝ) : દિવાળી અને એ દિવસે થતાં ચોપડા પૂજનનું મહત્ત્વ લગીરેય ઓછું થયું નથી. લક્ષ્મીપૂજા અને સાથે નવા વર્ષના વેપારના કે નવાં કાર્યના મુહૂર્ત પણ દિવાળીના દિવસે ઠેર ઠેર થાય છે. આવતીકાલે દિવાળીનાં મુહૂર્તમાં મોડી સાંજે શુભકાર્યો થશે. સૌરાષ્ટ્રભરમાં મગફળી, કપાસ, સીંગદાણા, કપાસિયા, સીંગતેલ, કપાસિયા તેલમાં મુહૂર્તના સોદા પાડવામાં આવશે. જોકે, એ પહેલાં આગલા દિવસે હાજર બજારમાં વેપાર થંભી ગયા હતા. માર્કેટિંગ યાર્ડમાં બુધવારથી હરાજી બંધ કરી દેવામાં આવી હતી. જોકે, એ હવે લાભપાંચમથી શરૂ થશે.

બજારોમાં હવે રજાનો માહોલ છવાઈ રહ્યો છે. આવતીકાલે દિવાળી છે એટલે હજુ ધંધા-રોજગાર અર્ધો દિવસ કે મુહૂર્ત પૂરતાં ચાલુ રહેશે. સૌરાષ્ટ્રમાં સીંગતેલ અને સીંગદાણાનાં કામકાજો સૌનાં ધ્યાને હોય છે. સીંગતેલ લૂઝમાં રૂ. 1550 આસપાસ અને કપાસિયા વોશમાં રૂ. 1250-1275 આસપાસના ભાવથી મુહૂર્તના સોદા કરવામાં આવે તેવી શક્યતા છે.

મગફળીનું ઉત્પાદન ચાલુ વર્ષમાં મોટાપાયે થવાનું છે. એ પૂર્વે ભાવ ખાસ્સા ઘટી ચૂક્યા છે. સીંગતેલના ભાવમાં એ જોતા ટૂંકાગાળામાં ભાવ વધી જાય એવું નથી. કપાસિયા, પામતેલ અને સૂર્યમુખી તેલ જેવા તેલ ભલે મોંઘા હોય પણ તેની અસર સીંગતેલ પર નથી. સીંગતેલનો વપરાશ નવા વર્ષમાં વધે તેમ છે.

મગફળીની આવક રજાઓ પૂર્વે રોજની ત્રણેક લાખ ગુણીની થઈ ગઈ હતી. આ વર્ષે ભાવ નીચાં છે એ જોતા આશરે બેથી ત્રણ લાખ ગુણી વચ્ચે મગફળીના સોદા થાય એ સંભવ છે. રૂ બજારમાં   પણ સોદા થશે. રૂની ગાંસડીમાં છૂટાછવાયા રૂ. 55,000 આસપાસનાં કામકાજ થઈ શકે છે. કપાસિયા અને ખોળમાં મંદી હવે વકરી રહી છે એટલે એમાં પણ નીચા ભાવમાં સોદા થશે.

ઇ-પેપરના નવા શુલ્ક