• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

દેશની સરહદની રક્ષા કાજે સૌરાષ્ટ્રની ત્રણ દીકરી સમર્પિત

-મોટી પાનેલી, શિવરાજપુર અને બરવાળાની દીકરી લશ્કરી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં પરત ફરતા કરાયું અદકેરું સ્વાગત : ગામમાં ઢોલ નગારા સાથે નીકળી સન્માન રેલી

મોટી પાનેલી, શિવરાજપુર, બોટાદ, તા.19: સૌરાષ્ટ્રની દીકરીઓ રાષ્ટ્ર માટે સમર્પિત થઈ રહી છે અને સેનાની પરીક્ષાઓ અને તાલીમ પૂર્ણ કરી દેશની સરહદની રક્ષા કરવા માટે હથિયાર ઉપાડી રહી છે ત્યારે મોટી પાનેલી, બરવાળા અને જસદણ તાલુકાના શિવરાજપુરની ત્રણ દીકરીઓએ લશ્કરી તાલીમ પૂર્ણ કરી છે. તેઓ પોતાના વતનમાં આવતા પરિવાર સહિત ગ્રામનો દ્વારા દિકરીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઢોલ નગારા સાથે રેલી કાઢવામાં આવી હતી.

મોટી પાનેલી ગામના મહેશભાઈ દેવમુરારીની દીકરી કુમકુમ દેવમુરારી તાજેતરમાં જ ભારતીય સેનામાં ટ્રાનિંગ પૂર્ણ કરી પોતાનાં વતન આવી પહોંચી હતી. સામાન્ય પરિવારમાં ઉછરેલી અને નાના એવા ગામમાંથી પરિવારના સહયોગથી પરીક્ષાઓ પાસ કરી આ દીકરીએ બાંગ્લાદેશ સરહદ પર પોસ્ટિંગ મેળવ્યું છે. તે વતનમાં આવતા જ્ઞાતિના આગેવાનો તેમજ સામાજિક, શૈક્ષણિક સહિત વિવિધ સંસ્થાના હોદ્દેદારો દ્વારા ત્રિરંગા સાથે રેલી કાઢવામાં આવી હતી અને કે. જે. પટેલ હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂલહાર પહેરાવી, સાલ અને સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પણ સન્માનપત્ર મોકલ્યું હતું.  

તાલીમ પૂર્ણ કરી: ગ્રામજનો દ્વારા સન્માન કરાયું

શિવરાજપુર, તા.19: જસદણ તાલુકાના શિવરાજપુર ગામની દિકરી સેજલ બુધાભાઇ બીએસએફમાં તાલીમ પૂર્ણ કરી ગામમાં આવતા તેનું ગ્રામજનો દ્વારા ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જસદણ તાલુકાના આગેવાન અશોક એમ. ચાવ પણ ઉપસ્થિત રહી સેજલને રૂ  11 હજારનો રોકડ પુરસ્કાર આપી અભિવાદન કર્યું હતું.

  આ તકે  અશોકભાઈએ સેજલની સિદ્ધિ બદલ તેને શુભેચ્છા આપી જણાવ્યું હતું કે,  આજના સમયમાં દીકરીઓ શિક્ષિત અને પગભર બને તે ખૂબ જરૂરી છે. દરેક માતા પિતાએ દીકરીઓને કરિયાવરમાં શિક્ષણ આપવું જોઈએ. દીકરીઓ આગળ વધે તે આપણા માટે પણ ગૌરવની વાત છે.

બરવાળા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા પ્રગતિબેન કાળુભાઈ ડાભી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.)ની તાલીમ પૂર્ણ કરી પરત ફરતા સમસ્ત કોળી સમાજ તેમજ બરવાળાના દરેક સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બરવાળા શહેરમાંથી બી.એસ.એફ.માં જોડાયેલા પ્રથમ મહિલા આર્મી જવાનની કોળી સમાજની વાડી થી ખોડીયાર નગર નિવાસ સ્થાન સુધી સન્માન રેલી કાઢવામાં આવી હતી જેમાં બરવાળા શહેરના દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આર્મી જવાન પ્રગતીબેન ડાભીને પુષ્પ ગુચ્છ, હાર, મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આર્મી જવાનના હર્ષભેર વધામણા કરવામાં આવ્યા હતા. સન્માન રેલી ભારત માતા કી જયના નારા સાથે ગુંજી ઉઠી હતી.આ પ્રસંગે જગદેવદાસજી બાપુ (મહંત લક્ષ્મણજી મંદિર બરવાળા) દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા.આ પ્રસંગે ઘનશ્યામ એલ.મકવાણા (પ્રમુખ કોળી સમાજ) તેમજ પરિવારજનો દ્વારા બી.એસ.એફ.આર્મી જવાનને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ તકે નગરપાલિકા પ્રમુખ જગદીશ ચાવડા, દિલુભા ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક