ખેડૂતે રૂ.21 લાખ સામે 30 લાખ વસૂલી રૂ.70
લાખની માગણી કરી જમીન બારોબાર વેચી નાખી
રાજકોટ,
તા.રપ : ધ્રોલ તાબેના વાંકિયા ગામના ખેડૂત પાસેથી ર1 લાખની સામે રૂ.30 લાખ વસૂલ્યા
હોવા છતાં રાજકોટના શખસે સાગરીતો સાથે મળી 70 લાખની માગણી કરી હતી અને ખેડૂતની જમીનનો
વેચાણ કરાર કરી બારોબાર વેચી નાખ્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજકોટ-મોરબીની
મહિલા સહિતની ટોળકી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, વાંકિયા ગામે રહેતા જયસુખભાઈ મોહનભાઈ ભીમાણી નામના આધેડે રાજકોટના
અલ્પેશ દોંગા, નૈમીષ રામાણી, ધ્રોલના ભુરા ભરવાડ, મોરબીના નારણ ભરવાડ અને મોરબીના પુરીબેન
ભરવાડ સહિતના વિરુદ્ધ તેની જમીન વેચી નાખ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો
હતો.
આ બનાવ
અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી જયસુખ ભીમાણીએ ર0રરમાં ધંધાકીય કામ માટે પૈસાની
જરૂરિયાત ઉભી થતા તા.1પ/7/રરના નાનામવા રોડ પર મની પ્લસ શરાફી મંડળી ધરાવતા અલ્પેશ
દોંગા પાસેથી રૂ.ર1 લાખની રકમ બે ટકા વ્યાજે લીધી હતી અને સિક્યુરીટી પેટે જમીનનો પેન્ડિંગ
દસ્તાવેજ કરી આપવાનું કહેતા જયસુખે હા પાડી હતી અને અલ્પેશના સાગરીત નૈમીષ બાબુ રામાણીના
નામે પેન્ડિંગ દસ્તાવેજ કરી આપ્યો હતો અને નૈમીષે દસ્તાવેજમાં જણાવેલી રકમનો રૂ.6.પ1
લાખનો ચેક આપ્યો હતો. બાદમાં બીજા દિવસે અલ્પેશે ઓફિસે બોલાવી રૂ.9.49 લાખની રકમ રોકડ
આપી હતી. એક વર્ષ બાદ જયસુખ ભીમાણીએ રૂ.30 લાખની રકમ અલ્પેશ દોંગાને ચૂકવી આપ્યા હતા
પરંતુ અલ્પેશ અને નૈમીષે ર1 લાખની રકમ વ્યાજે આપવાના બહાને પેન્ડિંગ દસ્તાવેજના બદલે
રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હોય અને બદલામાં જયસુખ પાસેથી રૂ.9 લાખ જેટલું
ઉંચું વ્યાજ પણ વસૂલ્યું હતું. બાદમાં રૂ.6.પ1 લાખની રકમ પરત ચેકથી ચૂકવવાની અને દસ્તાવેજ
પરત તમારા નામે કરી આપવાની વાત કરી હતી. બાદમાં ધ્રોલ બસ સ્ટેશનમાં ચાની દુકાન ધરાવતા
ભુરા નાગજી ભરવાડ નામનો શખસ વાડીએ આવ્યો હતો અને મજૂરોને ધમકાવ્યા હતા અને જમીન લઈ
લીધી હોવાનું જણાવ્યું હતું. આ અંગે તપાસ કરતા નૈમીષે આ જમીન પુરીબેન જીવણ ભરવાડને
વેચી નાખી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે બન્ને શખસ સાથે વાત કરતા જમીનનો પરત
દસ્તાવેજ કરાવવા માટેથી રૂ.70 લાખની માગણી કરી હતી અને આ જમીન ખાલી કરાવવા માટે નારણ
ભરવાડને હવાલો આપ્યાની ધમકી આપી હતી અને બાદમાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે
અલ્પેશ દોંગા, નૈમીષ રામાણી સહિતની ટોળકીની શોધખોળ શરૂ કરી હતી.