ગુજરાતની કુલ 9 નગરપાલિકાનું હવે મહાપાલિકામાં રૂપાંતરણ : નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, ગાંધીધામમાં હવે કોર્પોરેશન બનશે
અમદાવાદ,
તા.1 : ‘જન્મભૂમિ પત્રો’ના 31મી, ડિસેમ્બર-2024ની રોજના અંકમાં છપાયું હતું કે, ‘નવા
વર્ષે જાન્યુઆરીમાં નવી 9 મહાનગરપાલિકાની રચનાની જાહેરાત થશે’ - તે મુજબ જ 2025ના
1લી, જાન્યુઆરીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી
મંત્રીમંડળની બેઠકમાં સૌરાષ્ટ્રની 3 નગરપાલિકા મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગર ઉપરાંત
નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મળી કુલ
9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.
રાજ્યમાં
હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર,
જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર એમ કુલ 8 મહાપાલિકા કાર્યરત છે. જે પૈકી જૂનાગઢ મનપાની
વર્ષ 2002માં અને ગાંધીનગર મનપાની વર્ષ 2010માં રચના કરાઈ હતી તે પછીના લગભગ 14 વર્ષ
બાદ આ નવી 9 મનપાની રચના થઈ રહી છે. પરિણામ સ્વરૂપ રાજ્યમાં હાલની મનપાની સંખ્યા
17ની થશે. આ સંદર્ભમાં નવી 9 પાલિકાને મનપાનો દરજ્જો મળતાં હવે, રાજ્યમાં મનપાની સંખ્યા
તો 17 થશે પરંતુ બીજીબાજુ રાજ્યની પાલિકાઓની સંખ્યા 158ને બદલે 149 થશે. મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલનાં શાસનમાં ગુજરાતના શહેરી વિકાસનાં ક્ષેત્રે આ એક ઐતિહાસિક ઘટના સાબિત
થશે.
ઉલ્લેખનીય
છે કે, નગરપાલિકાઓ - ગ્રામપંચાયતો, હવે મનપામાં રૂપાંતરિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ
અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદ્રઢ થશે. રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા,
પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ,
બાગ બગીચા, કોમ્યુનિટી હોલ, ટ્રાન્સપોર્ટેશન જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી
થશે. વિકાસકામો માટે રાજ્ય સરકાર જરૂરી તમામ નાણાકીય, વહીવટી સપોર્ટ પૂરો પાડશે તેમજ
લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.
દરમિયાન
આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું
કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જે કહેવું તે કરવું’ના અપનાવેલાં કાર્યમંત્રને અનુસાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેની સરકારે પણ આ 9 મહાનગરપાલિકાની રચના કરીને બજેટમાં આપેલું
વચન નિભાવ્યું છે અને આ મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે.
નવી
9 મનપામાં કઈ પાલિકા અને ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો ?
- પોરબંદર મનપા : પોરબંદર - છાયા નગરપાલિકા,
વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને
ઝાવર
ગ્રામ પંચાયત.
- મોરબી મનપા : મોરબી નગરપાલિકા ઉપરાંત શકતસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી,
ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળિયા વનાળિયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર) અને માધાપર-વજેપર
ઓજી ગ્રામ પંચાયત.
- સુરેન્દ્રનગર મનપા : સુરેન્દ્રનગર, દૂધરેજ,
વઢવાણ નગરપાલિકા ઉપરાંત ખમીસણા, ખેરાળી, માળોદ, મૂળચંદ અને ચમારજ
ગ્રામ
પંચાયત.
- ગાંધીધામ મનપા : ગાંધીનગર નગરપાલિકા ઉપરાંત
કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયત.
- વાપી મનપા : વાપી નગરપાલિકા ઉપરાંત બલિઠા,
સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયત.
- આણંદ મનપા : વલ્લભવિદ્યાનગર અને કરમસદ
પાલિકા ઉપરાંત મોગરી, જીટોડિયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયત.
- મહેસાણા મનપા : મહેસાણા પાલિકા ઉપરાંત ફતેપુરા,
રામોસણા, રામોસણા ગ.અ. વિસ્તાર, દેદિયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત,
તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ
ગ્રામ પંચાયત.
- નડિયાદ મનપા : નડિયાદ નગરપાલિકા ઉપરાંત
યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ
ગ્રામ પંચાયત.
- નવસારી મનપા : નવસારી નગરપાલિકા ઉપરાંત દાંતેજ, ધારાગીરી, એરુ
અને હાંસાપોર ગ્રામ પંચાયત.
બનાસકાંઠાનું
વિભાજન: વાવ - થરાદ બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવશે
અમદાવાદ,
તા.1 :રાજ્ય સરકારે, વર્ષ 2025ના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બનાસકાંઠા
અને વાવ-થરાદ એમ બે નવા જિલ્લાઓની રચના કરી છે. હાલના બનાસકાંઠા જિલ્લાના કુલ 14 તાલુકામાંથી
નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને
કાંકરેજ એમ કુલ 8 તાલુકા તથા ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાનો સમાવેશ કરાયો
છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા,
વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ 2 પાલિકાઓનો સમાવેશ થશે.
આમ હવે, આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા વાવ-થરાદ અને બનાસકાંઠા નામે
બનશે. બન્ને નવા જિલ્લાનું સમાન રીતે વિભાજન કરવામાં આવ્યું છે.