-પહાડો વચ્ચે બાનમાં લેવાયેલી ટ્રેન અને બંધકોને મુક્ત કરાવતી પાક. સેના: 33 બલૂચ વિદ્રોહી ઠાર, 27 સૈનિકનાં મૃત્યુ: 346 બંધકોને સફળતાપૂર્વક છોડાવી લેવાયા
નવી
દિલ્હી, તા. 12 : પાકિસ્તાનમાં સુરક્ષા અને સેનાની આબરુને ખેડવી નાખતા બલૂચ લિબરેશન
આર્મીએ ગઈકાલે મંગળવારે બાનમાં લીધેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને આજે છોડાવી લેવામાં પાક.
સેના, એરફોર્સ, ફ્રંટીયર કોર અને એસપીજીનાં સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી હતી. આ કાર્યવાહી
પહેલા કુલ 100 મુસાફરોએ જીવ ગુમાવ્યા હોવાનાં બિનસત્તાવાર અહેવાલ છે. તો બાકીનાં તમામ
બંધકોને ઉગારી લેવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં કુલ મળીને 33 બલૂચ આતંકવાદીઓનો ખાત્મો
કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાની
સેનાએ આજે કુલ 346 બંધકોને સફળતાપૂર્વક છોડાવી લીધાનો દાવો કર્યો હતો. આ બચાવ અભિયાનમાં
33 વિદ્રોહીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. તો 28 સૈનિકોએ પણ આમાં જીવ ગુમાવ્યા છે. આમાં
27 સૈનિક તો બાનમાં લેવાયેલી ટ્રેનમાં જ મુસાફરી કરતા હતાં તેનો સમાવેશ થાય છે.
આ પહેલા
બીએલએએ દાવો કર્યો હતો કે તેની પાસે હજી પણ 150થી વધારે પાકિસ્તાની બંધકો છે. તમામ
બંધકોને ગન પોઈન્ટ ઉપર પહાડોની વચ્ચે રાખવામાં આવ્યા હતાં. ટ્રેન હાઈજેક થયાના 28 કલાક
સુધી પાકિસ્તાની સેના કંઈ કરી શકી નહોતી. મંગળવારની મોડી રાત્રે સેનાએ ઓપરેશન કરીને
16 વિદ્રોહીને ઠાર કર્યા હતા અને 104 જેટલા બંધકો છોડાવ્યાના અહેવાલ સામે આવ્યા હતા.
જો કે બીએલએએ કહ્યું હતું કે તેના કોઈપણ વિદ્રોહી માર્યા ગયા નથી. આ દરમિયાન ટ્રેન
હાઈજેકમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયાની આશંકા વ્યક્ત થઈ હતી. હકીકતમાં પાકિસ્તાની
સરકારે 200થી વધારે તાબૂત બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં મોકલ્યા હતા. જે સ્થિતિની
ગંભીરતા બતાવતા હતાં.
બલુચિસ્તાનના
સિબી જિલ્લા પાસે જાફર એક્સપ્રેસ ટ્રેનને ડિરેલ કરીને બીએલએએ હાઈજેક કરી લીધી હતી.
બાદમાં પાકિસ્તાની સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે 214 બંધકના બદલામાં
બલૂચ લોકોને મુક્ત કરવામાં આવે. આ દરમિયાન મોડી રાત્રે અહેવાલ સામે આવ્યા હતા કે પાકિસ્તાની
સેનાએ ઓપરેશન કરીને 104 બંધકને છોડાવ્યા હતા અને 16 વિદ્રોહી ઠાર થયા હતા. જો કે બીએલએએ
અહેવાલો ફગાવતા કહ્યું હતું કે હજી પણ સેંકડો પાકિસ્તાની બંધક છે અને કોઈપણ વિદ્રોહી
ઠાર થયા નથી. જે લોકોને બંધ બનાવાયા છે તેમાં મોટાભાગના પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને
પોલીસના કર્મચારી છે.
બીએલએ
દ્વારા ટ્રેન હાઈજેક કરવાનું કારણ પણ બતાવવામાં આવ્યું છે એક ઓડિયો સંદેશમાં બલૂચ ફીદાયીને
કહ્યું હતું કે પાકિસ્તાની સેનાના અત્યાચાર અને બલૂચિસ્તાન પ્રાંતના સંસાધનોના શોષણે
આ પગલું ભરવા મજબુર કર્યા છે. દશકોથી પાકિસ્તાની સેના દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું
છે. બલૂચ લોકો જે યુદ્ધ લડી રહ્યા છે તે ન્યાય અને અસ્તિત્વની લડાઈ છે. આ યુદ્ધ બલૂચિસ્તાનની
માતાઓ અને બહેનો માટે છે. તેઓ માતૃભૂમિ માટે પોતાનું લોહી વહાવી રહ્યા છે.