રાજકોટ તા.12 : વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને એક મોટો ફટકો પડયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના આપના અગ્રણી અને ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપ્યાં બાદ રાજકારણ ગરમાયું છે. આજે રાજકોટમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરીને પોતાની વ્યથા ઠાલવતા પક્ષના નેતાઓએ ઉપર તેઓએ ગંભીર આક્ષેપો કર્યા હતાં અલબત તેમના આક્ષેપો સામે નેતાઓની પણ પ્રતિક્રિયાઓ સામે આવી હતી.
રાજકોટમાં
પત્રકાર પરિષદને સંબોધતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, હુ રાજનીતિમાં નહોતો ત્યારે
પણ ખેડૂતોના હક માટે લડતો હતો અને ખેડૂતોને અનેક વખત ન્યાય અપાવવાના પ્રયત્નો કર્યા
છે. ‘આપ’ ને મજબૂત બનાવવા માટે ચૂંટણી લડયો હતો અને પરિવાર કરતા પક્ષને વધુ વફાદાર રહ્યો હતો પરંતુ પક્ષના પ્રદેશ કક્ષાએ બેઠેલા કેટલાક
નેતાઓની માનસિકતા હુ જેલની બહાર ન આવું તેવી હતી. આ નેતાઓ મારા જેલવાસ દરમિયાન એક સારા
વકીલની વ્યવસ્થા પણ કરી શક્યાં ન હતાં.
ગોપાલ
ઈટાલિયા ઉપર શાબ્દિક પ્રહાર કરતાં કરપડાએ જણાવ્યું હતું કે, વિસાવદર બેઠક પરથી ઈટાલિયાને
જીતાડવા માટે મેં દિવસ-રાત એક કરી દીધા પરંતુ મારા 4 માસના જેલવાસ દરમિયાન તેઓ એક વખત
પણ મને મળવા આવ્યાં નથી. ઈટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યાં
છે તેવું હું ચોક્કસ કહી શકીશ.