અનેક વિસ્તારમાં 2-2 ફૂટ બરફ : ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને મેસાચુસેટ્સ સહિત અનેક રાજ્યોમાં કટોકટી ઘોષિત
નવી
દિલ્હી, તા.24: અમેરિકાનાં ઉત્તરપૂર્વી હિસ્સામાં હિમતોફાને ‘ધોળો’ કહેર વર્તાવ્યો
છે. મેરીલેન્ડથી લઈને મેન સુધીનો પ્રદેશ હિમચાદરથી ઢંકાઈ ગયો છે. આ વિષમ મોસમનાં કારણે
શનિવારથી સોમવાર વચ્ચે અમેરિકામાં કુલ 10 હજાર કરતાં વધુ વિમાનોની ઉડાણો રદ કરવામાં
આવી હતી. જેમાં એકલા સોમવારે જ પ હજારથી વધુ ફ્લાઈટ રદ થઈ હતી અને મંગળવારે વધુ 1300 ફ્લાઈટ રદ કરવામાં આવતા
હજારો મુસાફરો અટવાઈ ગયા હતાં.
વિમાન
સેવા ખોરવાતા સૌથી વધુ અસર ન્યૂયોર્કનાં જેએફકે, લાગુઆર્ડિયા અને બોસ્ટનનાં લોગાન એરપોર્ટ
ઉપર થઈ હતી. હવામાન વિજ્ઞાનીઓ દ્વારા આને એક દાયકાનું સૌથી વિકરાળ હિમ તોફાન ગણાવવામાં
આવી રહ્યું છે. આને બમ ચક્રવાત કહેવામાં આવે છે. બમ ચક્રવાત ત્યારે સર્જાય છે જ્યારે
24 કલાકની અવધિમાં તોફાનનું દબાણ એક નિશ્ચિત પ્રમાણમાં ઘટી જાય છે. સામાન્ય રીતે શરદ
ઋતુમાં જ્યારે આર્કટિકની બર્ફીલી હવા દક્ષિણ સુધી પહોંચીને ગરમ તાપમાન સાથે ટકરાય છે
ત્યારે સર્જાય છે. અનેક વિસ્તારોમાં તો બે ફૂટ કરતાં વધુ બરફ પડયો છે. રોડ આઈલેન્ડનાં
વારવિકમાં ત્રણ ફૂટ સુધી બરફ પડયો હોવાનું નોંધાયું છે. તીવ્ર પવાન અને ભારે હિમવર્ષનાં
કારણે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને મેસાચુસેટ્સ સહિત અનેક રાજ્યોમાં કટોકટી ઘોષિત કરી
દેવામાં આવી છે. આ હિમ તોફાનની અસર એટલી તીવ્ર છે કે, સંયુક્ત રાષ્ટ્રને પોતાની સુરક્ષા
પરિષદની બેઠક પણ સ્થગિત કરી દેવી પડી છે અને તેનું મુખ્યાલય પણ હંગામી ધોરણે બંધ કરી
દેવામાં આવ્યું છે. ન્યૂયોર્ક શહેરમાં છેલ્લા છ વર્ષમાં પહેલીવાર હિમવર્ષાનાં કારણે
શાળાઓ પણ બંધ રાખવાની ફરજ પડી છે. પરિવહન પણ ખોરંભે ચડી ગયું છે. રેલ અને બસ સેવાઓ
પણ ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ લપસણા થઈ ગયા છે અને દૃશ્યતા ઘટી જવાનાં કારણે મુસાફરી બેહદ
જોખમી બની ગઈ છે. પ્રશાસન તરફથી લોકોને ઘરમાં જ રહેવાની અપીલો પણ કરી છે.
આ બર્ફીલા
તોફાનનાં કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. પૂર્વ તટીય વિસ્તારમાં આશરે પોણા છ લાખ ઘરોમાં
અંધારપટ છવાઈ ગયો હતો. જેમાં મેસાચુસેટ્સ અને ન્યૂજર્સીમાં સ્થિતિ સૌથી વધુ વણસેલી
હતી. જો કે આ આફત વચ્ચે પણ ઘણાં લોકો આ હિમવર્ષાની મોજ પણ માણી રહ્યાં છે. ટાઈમ્સ સ્ક્વેર
ઉપર લોકો નાચતા-કૂદતા અને બરફનાં ગોળા ઉછાળતા પણ જોવા મળ્યા હતાં. જો કે હવામાન વિભાગે
ચેતવણી આપી છે કે, ખતરો હજી પણ ટળ્યો નથી.