• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

કેમ વારંવાર નિષ્ફળ થાય છે ઈસરોનાં રોકેટ?

ડોભાલની ઈસરોની મુલાકાત પછી તપાસ સમિતિની રચના : ટેકનિકલ સમસ્યા સિવાયની તકલીફોની થશે તપાસ

નવી દિલ્હી, તા.24: ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન(ઈસરો)નાં હાલનાં અભિયાનોમાં સર્જાયેલી ટેકનિકલ ક્ષતિઓ અને વિફળતાઓનાં સમાચારે દેશનાં સુરક્ષા વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજીત ડોભાલની તાજેતરની ઈસરોની મુલાકાત બાદ આમાં એક નવો વળાંક આવ્યો છે. વારંવાર ઈસરોનાં રોકેટ અને અભિયાનોની નિષ્ફળતાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજયરાઘવન અને ઈસરોનાં પૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથને સામેલ કરીને આ વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ઈસરોનાં ધ્રુવીય ઉપગ્રહોનાં પ્રક્ષેપણ યાન એટલે કે પીએસએલવીની એકધારી નિષ્ફળતા પાછળનાં કારણો અને સમસ્યાઓની તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે 12 જાન્યુઆરી 2026નાં રોજ પીએસએલવી-સી62 16 સેટેલાઈટને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં વિફળ રહ્યું હતું. રોકેટનું ત્રીજુ ચરણ પ્રજ્વલિત થઈ શક્યું ન હતું અને તેનાં હિસાબે તે સમુદ્રમાં પડી ગયું હતું. આવી જ રીતે 202પની 18મી મેનાં રોજ પીએસએલવી-સી61ને પણ આવી જ સમસ્યા થઈ હતી. તેમાં પણ ત્રીજા ચરણમાં જ સમસ્યા સર્જાઈ હતી અને તેમાં સેટેલાઈટ નષ્ટ થઈ ગયા હતાં.

સામાન્ય રીતે ટેકનિકલ સમિતિઓ તપાસ કરતી હોય છે કે, રોકેટમાં ક્યો પૂર્જો ખરાબ થયો હતો પણ આ નવી સમિતિ રોકેટની બનાવટ, ખરીદી અને રોકેટનાં વિભિન્ન ઘટકોનાં વિનિર્માણની પ્રક્રિયામાં પણ ઉંડી તપાસ કરશે. ભારતનાં અંતરિક્ષ ક્ષેત્રમાં હવે ખાનગી કંપનીઓની સહભાગીતા પણ છે ત્યારે જવાબદારી નક્કી કરવાની ઉચિત પ્રક્રિયા અને તેમાં સુધારાની આવશ્યકતા પણ આ સમિતિ દ્વારા ચકાસવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક