• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

ગોંડલનાં ઘોઘાવદર રોડ પર ‘આપ’નાં મહિલા નેતા જીગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો

માથામાં અને આંખ પર ઇજા : ત્રણથી ચાર મહિલાઓ તથા બે પુરુષોએ હુમલો કર્યો

(ફૂલછાબ ન્યુઝ)

ગોંડલ તા.24 : ગોંડલને કાર્યક્ષેત્ર બનાવી સક્રીય બનેલા આમ આદમી પાર્ટીનાં મહીલા નેતા જીગીશાબેન પટેલ ઉપર ભગવતપરાનાં ઘોઘાવદર રોડ પર આવેલી સંગમ પાર્ક સોસાયટીમાં હુમલો થયો હતો. હુમલા સમયે તેમની સ્વિફ્ટ કાર પર પથ્થરમારો કરી કાચ તોડાયા હતાં. ઇજાગ્રસ્ત જીગીશાબેન તુરંત સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. બનાવનાં પગલે જીગીશાબેનનાં ટેકેદારો તથા આપનાં કાર્યકરો હોસ્પિટલ દોડી ગયા હતા. શહેરની એ, બી ડિવિઝન પોલીસ ઉપરાંત રુરલ ક્રાઇમ બ્રાંચ પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ સવારે સાડા અગીયારનાં સુમારે સંગમ પાર્ક સોસાયટીમાંથી પાણી, કચરા અને ગટર અંગે રજુઆત આવી હોય જીગીશાબેન પટેલ તથા તેમનાં કાર્યકરો દિપક વઘાશિયા, જયસુખ વઘાશિયા તથા ધ્રુવીન રાદડિયા સાથે સ્વિફટ કારમાં સંગમ સોસાયટીમાં પહોંચ્યા હતા. ત્યાં મહીલાઓએ નગર પાલીકા દ્વારા અપાતુ પાણી લીલુ આવતુ હોય ઉપરાંત કચરાનાં ઢગલા ખડકાયા હોય કોઇ સફાઈ માટે આવતુ નહી હોવાની ફરિયાદ કરી હતી.  

જીગીશાબેને આ વિસ્તારનાં સ્થાનિક સુધરાઈ સભ્ય રુષિરાજાસિંહને ફોન કરી રુબરુ આવવા જણાવ્યું હતું. બાદમાં સભ્યની રાહમાં કારમાં બેઠા હતા. દરમિયાન અચાનક ધસી આવેલી ત્રણથી ચાર મહીલાઓ તથા બે પુરુષોએ કારમાં બેઠેલા જીગીશાબેન ઉપર હુમલો કરી દિધો હતો. પથ્થરથી હુમલો થતા જીગીશાબેનને માથામાં તથા આંખ પર ઇજા પંહોચી હતી. હુમલા સમયે કાર ઉપર પથ્થરમારો થતા કાચ ફુટ્યા હતા. પરિસ્થિતિ વણસતા જીગીશાબેન ત્યાંથી રવાના થઈ સારવાર માટે સરકારી હોસ્પિટલ ંહોચ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતાં

હુમલાને કારણે તેઓ અસ્વસ્થ હોય પોલીસ નિવેદન લઇ શકી નથી. દરમિયાન જીગીશાબેન સાથે રહેલા ધ્રુવિન રાદડિયાએ જણાવ્યું કે નગરપાલિકાનાં આ વિસ્તારનાં ચુંટાયેલા સભ્ય રુષિરાજાસિંહ જાડેજાને મોબાઇલ કરતા તેમણે હું બહાર છુ. તેવો જવાબ આપતા જીગીશાબેને તમારી સાથે ચુંટાયેલા અન્ય સભ્યોને મોકલો એવુ કહેતા રુષિરાજાસિંહે મોકલુ છુ તેવું જણાવ્યું હતું. દરમિયાન સભ્યો તો ના આવ્યા પણ ચાર મહીલાઓ તથા બે પુરુષો આવી અમારે પણ સમસ્યાઓ છે. તેવુ કહેતા જીગીશાબેને તેમને વિસ્તાર પુછતા આશાપુરા રોડ તથા ગુંદાળારોડ પરથી આવતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે જીગીશાબેને હું ત્યાં રુબરુ આવીશ તેવુ કહેતા આ લોકો અચાનક ઉશ્કેરાયા હતા અને ઝઘડો કરી કાર ઉપર પથ્થરમારો કરી જીગીશાબેનને પણ પથ્થર માર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક