સુપ્રીમ કોર્ટે કાયદા પાલનની આપેલી ચેતવણી પછી સોશિયલ મીડિયા કંપની સીધી દોર
નવી
દિલ્હી, તા.24: ભારતીય સર્વોચ્ચ અદાલત સામે દિગ્ગજ ઈન્ટરનેટ સોશિયલ મીડિયા કંપની વોટ્સએપ
અને મેટા ઘૂંટણીયે પડી ગઈ છે અને વપરાશકારોની ગોપનિયતા સંબંધિત દિશા-નિર્દેશોનું પાલન
કરવા માટે સહમત થઈ ગઈ છે.
વોટ્સએપ
અને મેટા દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું છે કે, તે વિજ્ઞાપન સંબંધિત ડેટા
ઉપર ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ(સીસીઆઈ)નાં ગુપ્તતા અને સહમતી સંબંધિત દિશા-નિર્દેશોને
લાગુ કરવા માટે રાષ્ટ્રીય કંપની કાનૂન અપીલેટ ટ્રિબ્યુનલનાં આદેશનું પાલન કરશે.
સુપ્રીમ
કોર્ટે તાજેતરમાં મેટા અને વોટ્સએપને સખત ચેતવણી આપી હતી કે, તેમણે ભારતીય કાયદાનું
પાલન કરવું પડશે અને જો આમાં તે વિફળ જશે તો દેશમાંથી ઉચાળા ભરવા પડી શકે છે. ઉલ્લેખનીય
છે કે, ટ્રિબ્યુનલ તરફથી આપવામાં આવેલા આદેશો સામે સોશિયલ મીડિયા કંપની તરફથી દાખલ
કરવામાં આવેલી અપીલની સુનાવણીમાં જ તેને ફરીથી ઝટકો લાગ્યો છે. વોટ્સએપ અને મેટા જાહેરાતનાં
હેતુથી પોતાનાં વપરાશકારોની જાણકારી વહેચવા માટે અનુમતિ ઈચ્છતી હતી પણ સુપ્રીમ કોર્ટે
તેનાં માટે સ્પષ્ટ ઈલકાર કરી દીધા બાદ હવે કંપનીઓ તેનાં માટે સહમત થઈ છે.