• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

તહવ્વુર રાણાની નાગરિકતા રદ કરવાની તૈયારીમાં કેનેડા

            કેનેડાનાં વડાપ્રધાન કાર્નીની ભારત યાત્રા પહેલા પગલું : ક્યાંયનો નહીં રહે 26/11નો ષડયંત્રકારી રાણા

નવી દિલ્હી, તા.24: કેનેડાનાં વડાપ્રધાન માર્ક કાર્નીનાં ભારત પ્રવાસ પહેલા કેનેડાની સરકાર તરફથી એક શુભેચ્છા ચેષ્ટામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. મુંબઈ ઉપર વર્ષ 2008માં 26/11નાં આતંકવાદી હુમલાનાં કાવતરામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર પાકિસ્તાની મૂળનાં કેનેડાનાં નાગરિક તહવ્વુર રાણાનું નાગરિકત્વ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 64 વર્ષીય તહવ્વુર રાણા પાકિસ્તાનમાં જન્મેલો આતંકવાદી છે. 26/11નાં હુમલામાં તે ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથીદાર હતો. હવે રાણાની કેનેડાની નાગરિકતા છીનવી   લેવામાં આવે તો તેનો દેશનિકાલ થશે. એટલે કે, રાણા ક્યાંયનો નહીં રહે. ઉલ્લેખનીય છે કે, ડેવિડ હેડલી અમેરિકી નાગરિક છે અને પ્રત્યાર્પણ કરીને તેને ભારતનાં હવાલે સોંપી દેવામાં આવેલો છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર કેનેડાનાં ઈમિગ્રેશન અધિકારીઓએ રાણાને 2001માં આપવામાં આવેલી કેનેડાની નાગરિકતા રદ કરવાનો નિર્ણય લઈ લીધો છે. રાણા 1997માં કેનેડા ગયો હતો અને બાદમાં તેને ડેન્માર્કમાં એક અખબારનાં કર્મચારી ઉપર હુમલો કરવાનાં કાવતરાનાં આરોપમાં અમેરિકામાં દોષિત પણ ઠરાવાયો હતો. જો કે રાણાની નાગરિકતા આતંકવાદમાં લિપ્તતાનાં કારણે નહીં બલ્કે તેનાં આવેદનમાં આપવામાં આવેલી ખોટી માહિતીનાં કારણે રદ કરવામાં આવશે. તેણે એવો ખોટો દાવો કર્યો હતો કે, તે ચાર વર્ષ સુધી ઓટાવા અને ટોરંટોમાં રહ્યો હતો અને માત્ર છ  દિવસ માટે જ દેશની બહાર ગયો હતો.

જો કે આ સમય દરમિયાન તે મોટાભાગનો સમય શિકાગોમાં હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું. ત્યાં તેની પાસે કારોબાર અને સંપત્તિ પણ હતી. તપાસ એજન્સીઓએ આને ગંભીર અને ઈરાદાપૂર્વકની દગાખોરી ગણાવી છે. જેનાં માટે તે પાત્ર નહોતો તે નાગરિકતા આ છેતરપિંડીનાં કારણે તેને મળી હતી.

કેનેડાની સરકારે આ કેસને ફેડરલ કોર્ટમાં મોકલી દીધો છે અને અંતિમ ફેંસલો તેનાં તરફથી લેવામાં આવશે. રાણાનાં વકીલે આ નિર્ણયને પોતાનાં અધિકારોનું ઉલ્લંઘન ગણાવતો દાવો કરેલો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક