• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

‘બસ્સો વર્ષ અનામત આપવી પડે તો પણ તે યોગ્ય’

દહેરાદૂનમાં સંઘ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન: અગ્નિવીર યોજના એક પ્રયોગ

દહેરાદૂન,  તા.24 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે અનામત મામલે મોટું નિવેદન આપતાં તેનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે હિન્દુ સમાજના એક હિસ્સાએ આશરે બે હજાર વર્ષ સુધી ભેદભાવ સહ્યો હતો પરંતુ તેમ છતાં તેમણે ક્યારેય પણ દેશ સાથે દગો કર્યો નથી. આવા લોકોને બરાબરીનો હક આપવા માટે જો બસ્સો વર્ષ સુધી પણ અનામત આપવી પડે તો સમાજે તે માટે તૈયાર રહેવું જોઈએ. જો આપણા જ ભાઈઓને આગળ વધારવા માટે આપણે થોડું નુકસાન  સહેવું પડે તો તેના માટે આપણે પાછળ હટવું જોઈએ નહીં.

સંઘ વડા ઉત્તરાખંડના દહેરાદૂનમાં હિમાલયન કલ્ચર સેન્ટરમાં આયોજિત ‘પ્રમુખજન ગોષ્ઠિ’માં ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ સૈનિકો તેમજ અધિકારીઓ સાથે સંવાદ દરમ્યાન આ નિવેદન આપ્યું હતું.

ભાગવતે કહ્યું કે ભારતમાં રહેનારા તમામ લોકોના પૂર્વજ એક જ છે અને તેમની નસોમાં એક જ લોહી વહે છે.  હિન્દુ બનવા માટે કાંઈ છોડવાની જરૂર નથી, દેશ પ્રત્યેની નિષ્ઠા જ પૂરતી છે. આજે જેમનો વિરોધ છે તેમને પણ કાલે આપણે સાથે જોડવાના છે.

અગ્નિવીર યોજના અંગે મોહન ભાગવતે કહ્યું કે આ યોજના એક પ્રયોગ છે. અનુભવોના આધારે તેની સમીક્ષા થવી જોઈએ અને આવશ્યકતા અનુસાર તેમાં ફેરફાર પણ કરવો જોઈએ.

સરસંઘચાલકે કહ્યું કે રાષ્ટ્રના ભાગ્યનિર્માણમાં સમાજની કેન્દ્રીય ભૂમિકા હોય છે. સમાજ મજબૂત હશે તો રાષ્ટ્રની સુરક્ષા પણ મજબૂત બનશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક