• રવિવાર, 15 માર્ચ, 2026

શું હવે અમે જ આખો દેશ ચલાવીએ ? : સુપ્રીમ કોર્ટ ભડકી

- રસ્તાથી લઈને પુલ અને વીજળીના તાર સહિત તમામ પ્રકારની સુરક્ષા માટે દિશાનિર્દેશ માગતી અરજી સાંભળવા સર્વોચ્ચ અદાલતનો ઈનકાર

 નવીદિલ્હી, તા.14: સડક, પુલ અને વીજળીના તાર વગેરેની સારસંભાળથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક દિશા-નિર્દેશ જારી કરવાની માગણી કરતી એક જનહિત અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી સાંભળવાનો ઈન્કાર કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, શું હવે સુપ્રીમ કોર્ટ જ આખો દેશ ચલાવે ?

દેશનાં મુખ્ય ન્યાયધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની પીઠે આ અરજી વિશે અકળાઈને કહ્યું હતું કે, આ પ્રકારની અરજી શોપિંગ મોલ જેવી હોય છે. જેમાં દરેક પ્રકારની રાહત માગવામાં આવી હોય છે. આમાં રસ્તાથી લઈને પોલીસ, ઈમારતો, પુલ, અંડરપાસ કે ઓવરબ્રીજનાં કામ પૂરા ન થયા હોય તો એ બધું આમાં મોજૂદ છે. સીજેઆઈએ આગળ કહ્યું હતું કે, તમે કોઈપણ રાહતનું નામ લેશો તો એ બધી અહીં નહીં મળે! આમાં લગભગ તમામ ચીજો માગી લેવામાં આવી છે અને આવા કોઈ દિશાનિર્દેશ આપવા લગભગ અસંભવ છે. જો કે અદાલતે આ અરજીને બહેતર તૈયાર કરીને સંબંધિત હાઇ કોર્ટમાં રજૂઆત કરવા માટે છૂટ ચોક્કસ આપી હતી.

સુપ્રીમ કોર્ટે એવું કહીને આ અરજી સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો કે, કોર્ટ એવો દેખાડો શા માટે કરે કે તે ચિકિત્સા વિજ્ઞાન જાણે છે. અદાલતે આવું એટલા માટે ટાંક્યું હતું કેમ કે અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, સંક્રમણ મુક્ત લોહી સુનિશ્ચિત કરવા માટે તમામ બ્લડ બેન્કને અનિવાર્ય ન્યૂક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટિંગની માગ પણ કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક