• રવિવાર, 15 માર્ચ, 2026

ગિરનાર ઉપરના અંબાજી મંદિરના ભંડારામાં પૂજારી જ દારૂ લાવ્યો ’તો

મહેફિલનો વીડિયો ગત નવા વર્ષનો હોવાનું અને મિત્રોએ સોડામાં દારૂ પીવડાવી વીડિયો ઉતાર્યાનો સગીરનો આક્ષેપ

(ફૂલછાબ ન્યુઝ)

જૂનાગઢ, તા.14 : ગિરનાર ઉપર શક્તિપીઠ અંબાજીના ભંડારામાં મહેફિલનો વીડિયો ગત નવા વર્ષનો હોવાનું અને સોડામાં દારૂ ભેળવી મિત્રોએ પીવડાવી વીડિયો ઉતાર્યો હોવાનો સગીરે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે. વધુમાં જણાવ્યું કે, મંદિરનો પૂજારી જ દારૂ લાવ્યો હતો, આ ઘટસ્ફોટથી ચકચાર મચી ગઈ છે.

અંબાજી મંદિરના ભંડારામાં મહેફિલના વીડિયોમાં જણાતા સગીરે તેના પિતા સાથે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પોતાના મિત્રોએ સોડામાં દારૂ ભેળવી પીવડાવી વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો ગત નવા વર્ષે બનાવાયો હોવાની કબૂલાત પણ આપી હતી તેમજ દારૂ મંદિરનો પૂજારી લાવ્યો હતો. સગીરના આ ઘટસ્ફોટને અત્યારે આક્ષેપથી જોવાઈ રહ્યા છે. સગીરના પિતાએ જણાવ્યું કે, મારો પુત્ર હજુ અણસમજુ છે, તેને તેના મિત્રોએ ટાર્ગેટ બનાવ્યો હોય તેમ સોડામાં દારૂ ભેળવી પીવડાવ્યો હતો અને ત્યારબાદ વિડીયો ઉતાર્યો હતો. આ કૃત્યમાં તંત્ર જે પણ કાર્યવાહી કરે તેમાં મારા પરિવારને કોઈ લેવાદેવા નથી, પરંતુ જવાબદારો સામે કડક પગલાં લેવાવા જોઈએ.

અંબાજી મંદિરના ભંડારમાં આજથી પાંચ માસ પૂર્વે આ મહેફિલ થયાનું સગીરે જણાવ્યું હતું. તેમાં 8થી 10 લોકો સામેલ હતા. તેમાં છ પૂજારી પણ હોવાનો આક્ષેપ કર્યો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે મંદિરના પૂજારીઓ જ મંદિરની ગરિમા જાળવવાનું ભૂલી ગયા અને હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે અને હવે લૂલો બચાવ કરે છે કે અમે આમાં ક્યાંય નથી.

અંબાજી મંદિરમાં પૂજારીઓનો રાફડો ફાટયો હોય તેમ 11 પૂજારી હોવા છતાં મંદિરની ગરિમા જાળવી શક્યા નથી. વહીવટદારે પણ આ અંગે ઉદાસીનતા સેવી હોય તેવો ભાવિકોમાં રોષ ઉઠયો છે. આ અંગે પ્રાંત અધિકારીની તપાસ બાદ પોલીસ કાનૂની કાર્યવાહી કરશે. તેમાં સૌપ્રથમ મંદિરના હકાલપટ્ટી કરાયેલા કર્મચારીઓ, પૂજારીઓના નિવેદન નોંધાશે.

મહેફિલના વીડિયોમાં દેખાતા સગીરે મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કરતા હકાલપટ્ટી થયેલા પૂજારીઓ અને કર્મચારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ સગીર તપાસમાં પણ સંડોવાયેલાઓના નામ જાહેર કરે તેવો ભય સતાવી રહ્યો છે. આ સગીર ઉપર કોઈ માનસિક દબાણ કરે તેવી પણ સંભાવના નકારી શકાતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક