• રવિવાર, 15 માર્ચ, 2026

પાંચ ઈનિંગમાં જ સંજૂ સેમસને ધોની-રૈના જેવા ધુરંધરોને પછાડયા

24 સિક્સર ફટકારીને વિશ્વકપની મહત્ત્વની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો

નવી દિલ્હી, તા. 14 : ભારતે ટી20 વિશ્વકપ 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ટૂર્નામેન્ટમાં સંજૂ સેમસને શાનદાર પ્રદર્શન કરતા પાંચ મેચમાં જ 321 રન કરી લીધા હતા. જેમાં ત્રણ અર્ધસદી સામેલ છે. સંજૂ સેમસને અંતિમ ત્રણ મેચમાં 97,89 અને 89 રનની ઈનિંગ રમી હતી અને ભારતને વિશ્વકપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ટૂર્નામેન્ટમાં ભારતે કુલ નવ મુકાબલા રમ્યા હતા. જેમાં સંજૂ પાંચમાં મેદાનમાં ઉતર્યો હતો. આ પાંચ મેચમાં સંજૂએ એવી ઈનિંગ બતાવી છે જે રૈના અને ધોની જેવા મોટા ખેલાડીઓ પણ બતાવી શક્યા નથી.

હકીકતમાં સંજુ સેમસને પૂરી એડિશનમાં કુલ 24 છગ્ગા ફટકાર્યા હતા અને વિશ્વકપ 2026મા સર્વાધિક સિક્સર ફટકારનારો ખેલાડી બન્યો હતો. સંજૂએ પાંચ ઈનિંગમાં પોતાને એવી લિસ્ટમાં સામેલ કર્યો હતો. જેમાં સામેલ થવા ખેલાડીઓએ ટી20 વિશ્વકપની 2-3 એડિશન રમવી પડે છે. સંજૂ ટી20 વિશ્વકપ ઈતિહાસમાં સર્વાધિક સિક્રસ ફટકારનારા ખેલાડીઓની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તેની ઉપર રોહિત શર્મા છે (50 સિક્સ, 44 ઈનિંગ), વિરાટ કોહલી (33 સિક્સ, 34 ઈનિંગ), હાર્દિક પંડયા (34 સિક્સ, 25 ઈનિંગ), યુવરાજ સિંહ (31 સિક્સ, 26 ઈનિંગ) અને સૂર્યકુમાર યાદવ (31 સિક્સ, 26 ઈનિંગ) છે.

સંજૂ સેમસને આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની, લોકેશ રાહુલ અને સુરેશ રૈના જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ધોનીએ વિશ્વકપમાં કુલ 29 ઈનિંગમાં 16 સિક્સ ફટકારી છે. સુરેશ રૈનાએ 21 ઈનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા છે. લોકેશ રાહુલે 11 ઈનિંગમાં 15 સિક્સર ફટકારી છે. આ ઉપરાંત ઈશાન કિશને 10 ઈનિંગમાં 18, શિવમ દુબેએ 16 ઈનિંગમમાં 26 સિક્સર ફટકારી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક