• શનિવાર, 14 માર્ચ, 2026

ઇન્ડિયન વેલ્સના સેમિ ફાઇનલમાં પહોંચી ઝેવરેવે બિગ ફોરની બરાબરી કરી

અલ્કરાજ, સિનર અને મેદવેદેવ પણ સેમિમાં

કેલિફોર્નિયા તા.13: નંબર વન સ્પેનનો કાર્લોસ અલ્કરાજ, ઇટાલીનો વિશ્વ નંબર 2 યાનિક સિનર ઇન્ડિયન વેલ્સ ટેનિસ ઓપન ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે. જર્મનીના એલેકઝાંડર ઝેવરેવ અને રશિયાના દાનિલ મેદવેદેવ પણ અંતિમ-4 રાઉન્ડમાં પ્રવેશ્યા છે.

ઝેવરેવે કવાર્ટર ફાઇનલમાં આર્થર ફિલ્સને 6-2 અને 6-3થી હાર આપી હતી. આ સાથે જ તે એટીપીની તમામ 9 ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચનારો વિશ્વનો ફકત પાંચમો ખેલાડી બન્યો છે. અગાઉ આ રેકોર્ડ રાફેલ નડાલ, નોવાક જોકોવિચ, રોઝર ફેડરર અને એન્ડી મરે બનાવી ચૂક્યા છે. ઝેવરેવની સેમિ ફાઇનલમાં ટક્કર સિનર સામે થશે. સિનરે અમેરિકી ખેલાડી લર્નર ટિએનને 6-1 અને 6-2થી હાર આપી હતી. જયારે જોકોવિચને હાર આપનાર બ્રિટીશ ખેલાડી જેક ડેપર રૂસી ખેલાડી મેદવેદેવ સામે 1-6 અને પ-7થી હારી બહાર થયો હતો. મેદવેદેવ સેમિમાં નંબર વન અલ્કારાજ સામે ટકરાશે. તેનો ક્વાર્ટરમાં બ્રિટનના કેમરૂન નોરી વિરુદ્ધ 6-3 અને 6-4થી વિજય થયો હતો. મહિલા વિભાગમાં એલિના રાયબાકિના અને એલિના સ્વિતોલિના સેમિમાં પહોંચી છે.

ઇ-પેપરના નવા શુલ્ક