જેતપુર, તા.21: જેતપુરની રબારીકા ચોકડી પાસે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે, જેમાં સૂર્યનારાયણ મંદિરે દર્શન કરવા જઈ રહેલા દાદા અને પૌત્રનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. સરધારપુર ગામના 70 વર્ષીય બચુભાઈ લાલુ પોતાના 11 વર્ષના પૌત્ર હરદીપને મોટરસાઇકલ પર બેસાડી ધારેશ્વર ઉત્સવમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક અમદાવાદ પાસિંગની કારે બાઈકને જોરદાર ટક્કર મારતા જ ક્ષણભરમાં ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.
અકસ્માત
એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ દાદા બચુભાઈ હવામાં ઉછળીને સીધા પુલની નીચે
પટકાયા હતા, જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
બીજી તરફ, માસૂમ પૌત્ર હરદીપ કારની નીચે કચડાઈ ગયો હતો અને તેને પણ જીવલેણ ઇજાઓ પહોંચતા
તેનું પણ સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. બે ભાઈ વચ્ચે એકના એક પુત્ર એવા હરદીપ અને
તેના દાદાના મૃત્યુના સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં સગા-સંબંધીઓના આક્રંદથી કરુણ
દૃશ્યો સર્જાયા હતા.
અકસ્માત
સર્જનાર કાર ચાલક અમદાવાદનો વતની હોવાનું સામે આવ્યું છે, જે અકસ્માત બાદ સામેથી ઉદ્યોગનગર
પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. પોલીસે હાલ બન્ને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી અકસ્માતે
મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક હસતા-રમતા પરિવાર પર આભ ફાટી પડતા સમગ્ર
પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.