ચાંદીની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ
ડોલર
સામે રૂપિયાનું અવમૂલ્યન રોકવા સરકારનું મોટું પગલું
નવીદિલ્હી,તા.16:
ઈંધણનો વપરાશ ઘટાડવા અને સોનાની ખરીદી બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ
હવે પશ્ચિમ એશિયાનાં સંકટમાં ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન રોકવા માટે સરકારે મોટું
પગલું ભરતાં ચાંદીની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે
કેટલાક ખાસ પ્રકારનાં સિલ્વર બાર (ચાંદીની ઈંટ) ઉપર પા-બંદી લગાવી દીધી છે. સરકારે
99.9 ટકા શુદ્ધતાવાળી ચાંદીની ઈંટોને ફ્રી કેટેગરીમાંથી હટાવીને નિયંત્રિત શ્રેણીમાં
મૂકી દીધી છે.
વાણિજ્ય
મંત્રાલયની સુધારેલી આયાત નીતિ હેઠળ આ પગલું દેશમાં ચાંદીની આયાત નિયંત્રિત કરવા માટે
લેવામાં આવ્યું છે. ચાંદીની આયાત ઘટતા દેશનું વિદેશી હુંડિયામણ, ખાસ કરીને ડોલરને દેશની
બહાર જતાં રોકી શકાશે. જે રૂપિયાને વધુ નબળો પડતાં બચાવવામાં મદદરૂપ સાબિત થશે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, ચાંદીની આયાત
સંબંધિત નિયમો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે. આ પહેલા સરકારે કિંમતી ધાતુઓ ઉપર આયાત
ડયૂટીમાં પણ વધારો કર્યો હતો અને એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત ઉપર
100 કિલોગ્રામની મર્યાદા પણ નાખી દીધી હતી. આ સ્કીમ જ્વેલરી નિકાસકારોને કાચો માલ કે
ઈનપુટ સામગ્રી શૂન્ય ડયૂટીથી આયાત કરવાની છૂટ આપતી હતી.
સરકારે
સોનાની આયાત માટે એડવાન્સ ઓથોરાઈઝેશન જારી કરવા અને તેનાં નિરીક્ષણ રાખવાનાં નિયમો
પણ કડક કરી નાખ્યા છે. પહેલા આ સ્કીમમાં કોઈ મર્યાદા નહોતી. આ સિવાય સોના અને ચાંદીની
આયાત ઉપર ઈમ્પોર્ટ ડયૂટી વધારીને 15 ટકા કરવામાં આવી હતી. જેથી બન્ને કિંમતી ધાતુની
આયાતને હતોત્સાહિત કરી શકાય. આવી જ રીતે પ્લેટિનમ ઉપર પણ આયાત ડયૂટી 6.4 ટકાથી વધારીને
15.4 ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત ગોલ્ડ-સિલ્વર ડોરે, સિક્કા અને અન્ય સંબંધિત ચીજોનાં
ડયૂટી માળખામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.