• રવિવાર, 17 મે, 2026

સૌરાષ્ટ્ર-કચ્છ પંચાયતોમાં પ્રમુખ વરણીની તારીખો જાહેર તા.23 અને 25ના મળશે પ્રથમ બેઠક

જિલ્લા પંચાયતોની બેઠકમાં કલેક્ટર કક્ષાના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતોની બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અધ્યાસી તરીકે રહેશે

ગાંધીનગર, તા.16 : રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતોમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ નવનિર્વાચિત સભ્યોની પ્રથમ બેઠક યોજી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરવામાં આવશે. તા.26 એપ્રિલ, 2026ના રોજ મતદાન અને 28 એપ્રિલે પરિણામ જાહેર થયા બાદ હવે સ્થાનિક શાસનના નવા માળખાને સક્રિય બનાવવા માટે આ પ્રક્રિયાને ગતિ આપવામાં આવી રહી છે.

આ અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી અને પોરબંદર જિલ્લાઓમાં જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક આગામી 23 મે, 2026ના રોજ યોજાશે. આ બેઠકોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવશે. ત્યારબાદ આ જિલ્લાઓ હેઠળ આવતી તમામ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે પ્રથમ બેઠક તારીખ 25 મે, 2026ના રોજ બોલાવવામાં આવશે.

બીજી તરફ ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક 25 મે, 2026ના રોજ યોજાશે. જ્યારે આ જિલ્લાઓની તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે પ્રથમ બેઠક 23 મે, 2026ના રોજ મળશે. દરેક બેઠક નિયુક્ત પીઠાસીન અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં નવનિર્વાચિત સભ્યો મતદાન અથવા સર્વસંમતિથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરશે.

આમ રાજ્ય સરકારે નવનિર્વાચિત સભ્યોની પ્રથમ બેઠકો માટે તારીખો જાહેર કરી છે. જિલ્લા પંચાયતોની પ્રથમ બેઠકમાં કલેક્ટર કક્ષાના અધિકારીઓ અધ્યાસી અધિકારી તરીકે રહેશે, જ્યારે તાલુકા પંચાયતોની બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અધ્યાસી અધિકારી તરીકે અધ્યક્ષતા સંભાળશે. આ બેઠકોમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખોની સત્તાવાર વરણી કરવામાં આવશે. સાથે જ હાલ કાર્યરત  વહીવટદાર તરીકેની મુદ્દત પૂર્ણ થશે અને નવી ચૂંટાયેલી આગેવાની સ્થાનિક શાસનનો સત્તાવાર કાર્યભાર સંભાળશે.

આ પ્રથમ વહીવટી બેઠકો બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં નવા હોદ્દેદારો સત્તાવાર રીતે કાર્યભાર સંભાળશે અને આગામી કાર્યકાળ માટે વિકાસલક્ષી તથા વહીવટી નિર્ણયો લેવાની પ્રક્રિયા શરૂ થશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નવી ટીમો રચાતાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક