સેનાપ્રમુખની પાકિસ્તાનને સજ્જડ શબ્દોમાં આક્રમક ચેતવણી: આતંકવાદ નહીં અટકાવે તો ભારત હવે પાછીપાની નહીં કરે
નવી
દિલ્હી, તા.16: આતંકવાદની આડમાં ભારતને પરેશાન કરવાની ફિરાકમાં રહેતા પાકિસ્તાનને સેનાપ્રમુખ
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગંભીર શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. પાકિસ્તાનને કડક ભાષામાં
સંદેશો આપતા તેમણે કહ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપતું રહેશે અને
ભારત વિરુદ્ધ કામ કરતું રહેશે તો તેણે હવે નક્કી કરવાનું છે કે, તે ભૂગોળનો હિસ્સો
રહેવા માગે છે કે ઈતિહાસનો !
ઓપરેશન
સિંદૂરનાં એક વર્ષ નિમિતે યોજાઈ રહેલા કાર્યક્રમો પૈકી દિલ્હીનાં માણેકશા સેન્ટરમાં
સેના સંવાદ કાર્યક્રમમાં પૂછાયેલા એક સવાલનો જવાબ આપતાં સેનાપ્રમુખે કહ્યું હતું કે,
ઓપરેશન સિંદૂર જેવી હાલત ફરીથી પેદા થશે તો ભારત પોતાની સુરક્ષા અને સંપ્રભુતા સાથે
કોઈ બાંધછોડ નહીં કરે. જો પાકિસ્તાન સતત આતંકવાદને છાવરશે અને ભારત વિરોધી કારસા કર્યા
રાખશે તો તેણે હવે નક્કી કરવાનું રહેશે કે તેણે ભૂગોળમાં રહેવું છે કે, પછી ઈતિહાસમાં.
જનરલ
દ્વિવેદીની આ ટિપ્પણી સંક્ષિપ્ત હોવા છતાં અત્યંત આક્રમક અને કડક ચેતવણી સમાન હતી.
તેમણે આગળ કહ્યું હતું કે, પાકિસ્તાને હવે ફેંસલો કરવો પડશે કે તે શાંતિ અને વિકાસનો
માર્ગ પસંદ કરે છે પણ પછી આતંકવાદને સમર્થન ચાલુ રાખે છે. ભારત હંમેશાં શાંતિ ઈચ્છે
છે પણ જોપાકિસ્તાન આતંકવાદ ફેલાવતું રહેશે તો ભારત તેની સામે સખત કાર્યવાહી કરવામાં
પાછીપાની નહીં કરે. આ સંદેશ ફક્ત પાકિસ્તાન માટે નથી બલ્કે આખા વિશ્વને ભારતનાં દૃઢ
મનોબળનો સંદેશ પણ છે.