દિલ્હીમાં બ્રિક્સનાં વિદેશમંત્રીઓની પરિષદ : અરાઘચીએ કહ્યું, મિત્ર દેશો માટે ઈરાન ભરોસાપાત્ર ભાગીદાર
નવી દિલ્હી, તા.16: હોર્મુઝ જળમાર્ગમાં
વધતી અસ્થિરતામાં ભારતીય જહાજો ઉપર થયેલા હુમલા બાદ ભારતની નારાજગી વહોરી લેનાર ઈરાને
હવે ભારતને ભરોસો આપ્યો છે કે, આ જળમાર્ગમાંથી પસાર થતાં વ્યાપારી જહાજોની સુરક્ષા
સુનિશ્ચિત કરવામાં આવશે.
રાજધાની દિલ્હીમાં બ્રિક્સ દેશોનાં
વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ઈરાનનાં વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ભારતનાં વિદેશ મંત્રી
એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ અરાઘચીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું
કે, જયશંકર સાથે ક્ષેત્રીય સ્થિતિ અને હોર્મુઝની સુરક્ષા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં
આવી હતી. તેમણે આગળ લખ્યું હતું કે, ઈરાન હંમેશા હોર્મુઝની સુરક્ષાનાં સંરક્ષક તરીકે
પોતાની ઐતિહાસિક જવાબદારી નિભાવતું રહેશે. ઈરાન પોતાનાં મિત્ર દેશો માટે ભરોસાપાત્ર
ભાગીદાર છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ
હોર્મુઝમાં બે ભારતીય જહાજો ઈરાન અને અમેરિકાનાં સામસામા હુમલાની ચપેટમાં આવી ગયા હતાં
અને ભારત તરફથી આવા હુમલાને અસ્વીકાર્ય ગણાવીને તેની આલોચના કરવામાં આવી હતી.