રૂ. 16.83 કરોડના શંકાસ્પદ વ્યવહારો સાથે એકની ધરપકડ
ભાવનગર,
તા.6 :ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક મોટા સાયબર ફ્રોડ
રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા સુમિત નરેશભાઈ
પરમાર નામના શખ્સે પોતાના નામે ઉઈઇ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું, જેનો ઉપયોગ દેશભરમાં
આચરવામાં આવેલા કરોડો રૂપિયાના સાયબર ગુનાના નાણાં મેળવવા માટે થતો હતો. પોલીસ તપાસમાં
ખુલાસો થયો છે કે આરોપીના આ એક જ બેંક ખાતામાં વર્ષ 2025માં રૂ. 9,18,60,853 અને વર્ષ
2026માં રૂ. 7,64,78,287 મળીને કુલ રૂ. 16,83,39,140 ના મોટા પાયે શંકાસ્પદ વ્યવહારો
થયા હતા. આ ઉપરાંત ’સમન્વય પોર્ટલ’ પર તપાસ કરતા દેશભરની 5 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ
સાથે સંકળાયેલા રૂ. 1,83,382 પણ આ જ ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું છે.
પોલીસના
જણાવ્યા અનુસાર, આરોપી સુમિત પરમાર પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન મેળવવાની લાલચે
સાયબર ફ્રોડની આ કાળી કમાણી પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને આઈબીએફટી,
આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ
માધ્યમો દ્વારા અન્ય જુદા-જુદા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને સગેવગે કરી નાખતો હતો.
આ ચકચારી કૌભાંડ મામલે ભાવનગરના નીલમબાગ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની
ધરપકડ કરવામાં આવી છે અને આ નેટવર્કના અન્ય તાર શોધવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.