• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

નખત્રાણા પાસે ‘છોટા હાથી’માં વિસ્ફોટ : બે સગા ભાઈ સહિત ચાર મૃત્યુ

ભંગારના વાડામાં બનેલી ઘટના, બે સહોદર અને બન્નેના બે માસૂમ પુત્ર-પુત્રી 20-25 ફૂટ ફંગોળાયા

ભુજ / નખત્રાણા, તા. 22: નખત્રાણા - કોટડા (જ.) વચ્ચે આવેલા ભંગાર વાડામાં આજે સાંજે છોટા હાથીમાંથી બે સગા ભાઈ કુંભાર મામદ ઈલિયાસ (ઉ.વ. 30) અને કુંભાર નૂરમામદ ઈલિયાસ (ઉ.વ. 26) ભંગાર ખાલી કરી રહ્યા હતા ત્યારે પ્રચંડ વિસ્ફોટ થતાં આ બન્ને ઉપરાંત બાજુમાંના બન્ને ભાઈનાં બાળકો મામદનો ત્રણ વર્ષનો પુત્ર હસનેન અને નૂરમામદની સાડા ત્રણ વર્ષની દીકરી નુરફાતીમા તો 20થી 25 ફૂટ દૂર ફંગોળાયા હતા. ચારેના ઘટનાસ્થળે ફૂરચા બોલી જતાં ઘટનાસ્થળે જ મોત થતાં અરેરાટી ફેલાઈ હતી.

બનાવની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે ધસી ગયા હતા અને છાનબબીન આદરી છે. દરમ્યાન આ સમાચાર વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળાં પણ એકત્ર થયાં હતાં.

ઘટના સ્થળેથી અમારા નખત્રાણાના પ્રતિનિધિ છગનભાઈ ઠક્કરે મેળવેલી વિગતો મુજબ મૂળ અબડાસાના રોહા-સુમરીનો આ પરિવાર છેલ્લા પંદર-વીસ વર્ષથી નખત્રાણાથી જતાં કોટડા (જ.) પાસે મફતનગરના ભીમપુરા બાજુમાં સ્થાઈ થયો છે. ભંગારનો વાડો બનાવી તેમજ ભેંસો રાખી પરિવાર ગુજરાન ચલાવે છે. મામદ અને નૂરમામદ બન્ને ભાઈઓ પોતાના છોટા હાથીમાં બહારથી ભંગાર ભરી અહીં તેમના ભંગારના વાડામાં આજે સાંજે ભંગાર ખાલી કરી રહ્યા હતા અને બન્ને માસૂમ બાળકો છોટા હાથી નજીક રમી રહ્યાં હતાં અને ઘરની મહિલાઓ ઘર તથા ભેંસોના વાડામાં હતી ત્યારે અચાનક જ પ્રચંડ ધડાકો સાંભળ્યો હતો.

 આ પ્રચંડ ધડાકાનાં પગલે ચારેના ફૂરચા બોલી ગયા હતા. બન્ને બાળકો તો વીસથી પચ્ચીસ ફૂટ દૂર ફંગોળાયાં હતાં. બાથરૂમનાં પતરાં પણ ઊડી ગયાં હતાં. પરિજનો હતપ્રભ બની ગયા હતા અને કરુણ ઘટનાના પગલે આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. ઘટનાસ્થળે મકાનની લોબી અને આસપાસ લોહી અને માંસ દેખાયા હતા. વાડામાં ભંગાર વેરણ-છેરણ હતો. પ્રાથમિક પૂછતાંછમાં છોટા હાથીની ડીઝલની ટાંકીમાં બ્લાસ્ટ થતાં દુર્ઘટના સર્જાયાનું સામે આવ્યું છે, પરંતુ ડીઝલ ટાંકીના બ્લાસ્ટથી આટલો મોટો ધડાકો અસંભવિત હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. જો કે, આ અંગે છાનબીન ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આ ગોઝારી દુર્ઘટનાના પગલે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ ઘટનાસ્થળે જઇ વિગતો જાણીને તપાસ અંગે પોલીસને માર્ગદર્શન આપ્યું હતું. સ્થાનિક નખત્રાણા પોલીસના પી.આઇ. એ.એમ. પટેલ, પી.એસ.આઇ. રાજેશ બેગડિયા અને તેમની ટીમ ઉપરાંત પશ્ચિમ કચ્છની એલસીબી તથા એસઓજીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છાનબીનમાં પરોવાઇ હતી.

બીજી તરફ મામલતદાર  આર.કે. પટેલ, નખત્રાણાના નગરપાલિકાના મુખ્ય અધિકારી ભાવિન કાંધાણી, તલાટી સંગીતાબેન ઠક્કર, નગરપાલિકાના કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, ઉપચેરમેન પ્રતિનિધિ ડહ્યાભાઇ સેંઘાણી દોડી આવ્યા હતા. આ વિસ્ફોટના સમાચારનાં પગલે આસપાસના લોકો વાડાની દીવાલ નજીક એકત્ર થયા હતા. દરમ્યાન પરિવારના સંબંધીઓ પણ ઘટનાસ્થળે આવતાં રોવાના આક્રંદથી કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.

બીજી તરફ છિન્ન-ભિન્ન ચારેના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા. ફોરેન્સિકવાળાને રિપોર્ટ કરાયો છે અને નમૂના મેળવી તેના પૃથક્કરણના અહેવાલ બાદ બ્લાસ્ટ કયા કારણે થયો તેની વિગતો જાણવા મળશે તેવું પી.આઇ. શ્રી પટેલે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક