• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ઈટાલીમાં આંધીએ વિમાન ફંગોળ્યા

ટસ્કની વિસ્તારમાં 23 હજારથી વધુ વખત વીજળી પડવાની ઘટના બની

રોમ, તા. 24 : ઈટાલીમાં ભારે તોફાન અને આંધીએ ફોર્લી શહેરના લુઈઝી રિડોલ્ફી એરપોર્ટે ભારે તબાહી મચી હતી. તોફાન દરમિયાન હવાની રફતાર 120 કિમી પ્રતિકલાક સુધી પહોંચી હતી. જેના વીડિયો પણ સામે આવ્યા છે જે આંધીની તાકાતને બતાવે છે. ભારે હવાના કારણે એરપોર્ટે રહેલા ઘણા હવળા અને અલ્ટ્રાલાઇટ વિમાનો ફંગોળાયાં હતાં. જ્યારે ટસ્કની વિસ્તારમાં તોફાન દરમિયાન 23 હજારથી વધુ વખત વીજળી પડવાની ઘટના બની હતી.

આંધી તોફાનની સ્થિતિ એટલી હદે ગંભીર બની હતી કે અંદાજિત એક કલાક સુધી એરપોર્ટ બંધ કરવું પડયું હતું. તોફાની હવાઓનાં કારણે એરપોર્ટની અમુક ઈમારતને નુકસાન પહોંચ્યું હતું અને યાદીઓના આવવાનાં ક્ષેત્રમાં લાગેલી છતનો અમુક હિસ્સો ફાટીને અલગ થયો હતો. ઘટના બાદ બચાવ દળને એરપોર્ટે બોલાવવામાં આવ્યા હતા. જો કે બનાવમાં કોઈને ઈજાના અહેવાલ સામે આવ્યા નહોતા.

તોફાનની અસર ફોર્લી, ચેસેના અને રાવેન્ના પ્રાંતોની આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી હતી. ભારે પવને ઘણાં વૃક્ષોને ઉખાડી ફેંક્યાં હતાં. આ તોફાન ઈટાલીના ઘણા હિસ્સામાં ચાલી રહેલા ખરાબ હવામાનનો જ એક હિસ્સો છે. લિગુરિયા, ટસ્કની, લોમ્બાર્ડી અને એમિલિયા સહિતના ક્ષેત્ર પ્રભાવિત થયા હતા. ટસ્કનીમાં તોફાન દરમિયાન 23 હજારથી વધુ વખત વીજળી પડવાની ઘટના નોંધાઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક