મધ્યપ્રદેશના આનંદ છાડીની પૂછપરછમાં દારૂ માફિયાઓ અને અન્ય મોટા માથાઓના નામો ખુલે તેવી શક્યતા : ધરપકડનો આંકડો 27 પર પહોંચ્યો
ભાવનગર,
તા. 24 : ભાવનગરમાં સર્જાયેલા ચકચારી લઠ્ઠાકાંડમાં 13 લોકોના મૃત્યુ નીપજતાં સમગ્ર
રાજ્યમાં ભારે હડકંપ મચી ગયો છે. ઉપેન્દ્રાસિંહ ગોહિલના મૃત્યુના પગલે બહાર આવેલા આ
ગંભીર કેસની તપાસ સ્ટેટ મોનિટારિંગ સેલને સોંપાયા બાદ વરતેજ પોલીસ મથકે 21 શખ્સ સામે
ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસએમસીની ટીમે નેટવર્ક પર સકંજો કસીને
અગાઉ 14 આરોપીની ધરપકડ કર્યા બાદ હવે વધુ 13 સાગરીતોને દબોચી લીધા છે, જેથી આ કેસમાં
કુલ ધરપકડનો આંકડો 27 પર પહોંચ્યો છે. ઝડપાયેલાઓમાં ડુપ્લિકેટ દારૂ બનાવવા માટેનું
ઝેરી રો-મટીરિયલ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના સૂત્રધાર આનંદ છાડી પણ સામેલ છે.
આ
કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી એસએમસીની ટીમે અગાઉ પકડાયેલા ગૌતમ સોલંકી અને રઈશ
અન્સારી સહિત 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડના
ચોથા દિવસે પોલીસે એફએસએલની ટીમને સાથે રાખી ગૌતમ સોલંકીના નિવાસસ્થાને પંચનામું કર્યું
હતું. આ સ્થળેથી બનાવટી વિદેશી દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રી, કેમિકલ અને અન્ય ભૌતિક
પુરાવાઓ જપ્ત કરાયા હતા. આ પૂછપરછ અને પુરાવાના આધારે પોલીસે ગુજરાતમાંથી 12 અને મધ્યપ્રદેશમાંથી
1 મળી કુલ 13 વધુ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
તપાસ
દરમિયાન સામે આવ્યું છે કે મધ્યપ્રદેશનો આનંદ છાડી આ લઠ્ઠાકાંડમાં વપરાયેલા જોખમી કેમિકલ
અને રો-મટીરિયલનો મુખ્ય સપ્લાયર હતો. પોલીસે તેની ધરપકડ કરીને આ આંતરરાજ્ય નેટવર્ક,
સપ્લાય ચેઈન અને અન્ય સંડોવાયેલા શખ્સોના કડી-મોડા મેળવવા અર્થે 14 દિવસના રિમાન્ડની
માગણી સાથે તેને કોર્ટમાં રજૂ કર્યો છે. આનંદ છાડીની પૂછપરછમાં દારૂ માફિયાઓ અને અન્ય
મોટા માથાઓના નામો ખુલે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.