મોત અંગે પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવા વનતંત્ર સમક્ષ સ્થાનિકો-વન્યજીવપ્રેમીઓની રજૂઆત : નિષ્પક્ષ તપાસની માગ
ધારી
તા.24 : ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જના ધારી રેન્જ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં
ચાર સિંહના મોતના અહેવાલોથી વન્યજીવપ્રેમીઓ અને સ્થાનિકોમાં ગંભીર ચિંતા પ્રસરી છે.
એક પછી એક સિંહના મોત છતાં તેમના મૃત્યુના ચોક્કસ કારણો, પોસ્ટમોર્ટમના તારણો તેમજ
વનતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે પૂરતી અને સ્પષ્ટ માહિતી જાહેર ન થતી
હોવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
દલખાણિયા
રોડ પર 80 નંબરના ખાંભા નજીકથી સિંહબાળને રેસ્ક્યૂ કર્યા બાદ તેને માતા સાથે પુન: મિલન
કરાવવાના બદલે આંબરડી સફારી પાર્ક ખાતે લઈ જવામાં આવ્યું હતું અને બાદમાં તેના મોતનો
બનાવ બન્યો હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. આ ઉપરાંત ધારીના ગરમલી ગામ નજીક સિંહનું
મોત, આંબરડીના મેવાસા વિસ્તારમાં સિંહબાળનું મોત અને તાજેતરમાં છતડીયા નજીક ચાર દિવસથી
કોહવાયેલી હાલતમાં નર સિંહબાળ મળી આવવાના બનાવોએ વનતંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો
ઊભા કર્યા છે. વન્યજીવપ્રેમીઓએ માંગ કરી છે
કે છેલ્લા બે મહિનામાં થયેલા તમામ ચાર સિંહોના મોતની ઉચ્ચસ્તરીય અને સ્વતંત્ર તપાસ
કરવામાં આવે. દરેક કેસના પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ જરૂરી લેબોરેટરી તપાસના તારણો જાહેર
કરવામાં આવે. ખાસ કરીને દલખાણિયા રોડના સિંહબાળના રેસ્ક્યૂથી લઈને તેના મોત સુધીની
સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવામાં આવે તેવી માંગ છે. જો તપાસમાં કોઈ અધિકારી કે કર્મચારીની
બેદરકારી સામે આવે તો નિયમો મુજબ જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી
છે.