જન્મદિવસના મોકે પીએમ મોદીએ કર્યું કન્વેન્શન સેન્ટર ‘યશોભૂમિ’નું ઉદ્ઘાટન, વિશ્વકર્મા યોજનાની
પણ જાણકારી આપી
નવી દિલ્હી, તા. 17 : પીએમ મોદીએ પોતાના જન્મદિવસે યશોભૂમિની સોગાત આપી છે. દુનિયાના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરકમાંથી એક યશોભૂમિ 2020 એકરમાં ફેલાયેલું છે. જેના ઉદ્ઘાટન માટે મોદી દ્વારકા પહોંચ્યા હતા. દેશને યશોભૂમિની ભેટ આપ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે આજે વિશ્વકર્મા જયંતીનો ખાસ દિવસ પારંપરિક કારીગરો અને શિલ્પકારોને સમર્પિત છે. ઘણા વિશ્વકર્મા ભાઈ બહેનો સાથે વાત કરવાની હતી અને તેના કારણે કાર્યક્રમમાં મોડું થયું હતું. હાથના હુનર, ઓજાર અને હાથી કામ કરનારા લોકો માટે વિશ્વકર્મા યોજના આશાનું નવું કિરણ બનીને આવી છે. આ યોજના સાથે દેશને ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર યશોભૂમિ પણ મળ્યું છે. જે રીતે અહિંયા કામ થયું છે તેનાથી વિશ્વકર્મા ભાઈ બહેનોનું તપ અને તપસ્યા જોવા મળે છે. યશોભૂમિ દેશના દરેક શ્રમિકને સમર્પિત છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવામાં વિશ્વકર્મા યોજના મહત્ત્વની ભૂમિકા ભજવશે. જેમ શરીરમાં કરોડરજ્જુ હોય છે તેમ સામાજિક જીવનમાં વિશ્વકર્મા સાથીઓની મહત્ત્વની ભૂમિકા છે. તેમના બિના રોજિંદા જીવનની કલ્પના થઈ શકે નહી. ફ્રીજના સમયમાં પણ લોકોને માટલાનું પાણી પસંદ છે. સમયની માગ છે કે આ સાથીઓને ઓળખ અને ટેકો મળે. વિશ્વકર્મા યોજના હેઠળ તમામ સાથીઓને તાલિમ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. ટ્રેનિંગ દરમિયાન દરરોજ 500 રૂપિયા ભથ્થું સરકાર તરફથી આપવામાં આવશે. આધુનિક ટુલકિટ માટે 15 હજાર રૂપિયા મળશે. સામાનના બ્રાન્ડિંગમાં પણ સરકાર મદદ કરશે. બદલામાં સરકાર ઈચ્છે છે કે જીએસટી રજિસ્ટર્ડ દુકાને જ સામાન ખરીદવામાં આવે. આ ટુલ્સ મેડ ઈન ઈન્ડિયા હોવા જોઈએ. મોદીએ કહ્યું હતું કે સરકાર કોઈપણ ગેરન્ટી માગ્યા વિના કારોબાર શરૂ કરવા પૈસા આપશે. ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવશે અને તેનું વ્યાજ પણ ખુબ ઓછું રહેશે. નવા સાધાન લેવા પહેલી વખત એક લાખની લોન મળશે. જે ચૂકવવામાં આવતા બે લાખની લોન આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે ટેક્નોલોજી અને ટ્રેડિશન મળે છે ત્યારે કમાલ થાય છે. જે પૂરી દુનિયાએ જી20 ક્રાફ્ટ બજારમાં નિહાળ્યું છે. સમિટમાં આવેલા વિદેશી મહેમાનોને ગિફ્ટમાં વિશ્વકર્મા સાથીઓ દ્વારા બનાવવામાં આવેલો સામાન જ આપવામાં આવ્યો હતો. લોકલ માટે વોકલનું સમર્પણ પૂરા દેશની જવાબદારી છે. પહેલા લોકલ માટે વોકલ બનવું પડશે અને પછી તેને ગ્લોબલ બનાવવાનું પડશે.