• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

નેપાળ પૂરમાં લાપતા 213 ભારતીયને મૃત ઘોષિત કરવા તૈયારી

નેપાળ સરકારે યાદી જાહેર કરી ઃ બીજી ડિસેમ્બર સુધીમાં દાવા-વાંધા રજૂ કરી શકાશે

 

કાઠમાંડુ, તા. 26 ઃ નેપાળમાં 26 ઓગસ્ટના રોજ આવેલા ભીષણ પૂર બાદ હજી પણ લાપતા ભારતીય નાગરીકોને લઈને સરકારે મોટું પ્રશાસનિક પગલું ભર્યું છે. નેપાળ પ્રશાસને 213 ભારતીયની એક યાદી જાહેર કરી છે. જેને કાનૂની ઔપચારિકતા પૂરી કર્યા બાદ મૃત ઘોષિત કરવામાં આવી શકે છે. ભારતના દૂતાવાસે પણ લાપતા ભારતીયના પરિજનોને યાદીની સમીક્ષા કરવા અને કોઈપણ વાંધો, સંશોધન કે વધુ જાણકારીને 2 ડિસેમ્બર સુધીમાં ઉપલબ્ધ કરાવવા અપીલ કરી છે.

નેપાળ સરકારે ઓગસ્ટમાં આવેલા વિનાશકારી પૂર બાદ હવે એવા લોકોને મૃત ઘોષિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જે હજી સુધી લાપતા છે. કાઠમાંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે જે ભારતીય નાગરીકના પરિજન હજી પણ લાપતા છે તે યાદી ચેક કરે. જો કોઈપણ માહિતી અપડેટ કરવાની હોય, નામ જોડવા કે હટાવવાની જરૂરિયાત હોય તો પરિવાર બીજી ડિસેમ્બર, 2026 સુધી દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. આ માટે ઇમેઇલ અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

દૂતાવાસ અનુસાર ટિપ્પણી અને વાંધા મળ્યા બાદ નેપાળ સરકાર દ્વારા યાદીને અંતિમ રૂપ આપવામાં આવશે. બાદમાં સંબંધિત વ્યક્તિઓને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવશે. હકીકતમાં નેપાળમાં 26 ઓગસ્ટમાં આવેલા પૂરમાં 1453થી વધારે લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે જ્યારે 5000થી વધારે લોકો હજી પણ લાપતા છે. જેમાં વિદેશી નાગરીકો મોટી સંખ્યામાં સામેલ છે. 213 ભારતીય ઉપરાંત 85 ચીની, 69 અમેરિકી, 32 બ્રિટિશ, 27 કેનેડિયન અને 9 સિંગાપુરના નાગરીકો લાપતા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક