• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા 24 લોકોના પરિવારને સરકાર 4-4 લાખનું વળતર આપશે

ખેતી પાકમાં થયેલા નુકસાન અંગે સરકાર સર્વે હાથ ધરશે : કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના

 

અમદાવાદ, તા. 27: (ફૂલછાબ ન્યુઝ) રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી સર્જાઇ છે. આ સંજોગોમાં કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી પડવાથી કુલ 24 લોકોના મૃત્યુ થયા છે. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 4-4 લાખ રૂપિયા સહાયની જોગવાઈ કરાઈ છે.

નોંધનીય છે કે વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં રાજ્યમાં 24 લોકોના મૃત્યુ થયા છે. જેમાં મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા, ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. જ્યારે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મૃત્યુ નિપજ્યું છે.

દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેને લઇને સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે, હવામાન વિભાગ દ્વારા તા.26 અને 27મીએ માવઠાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ અંદાજિત 60 ટકા જેટલો વરસાદ વરસ્યો છે અને આ માવઠાને કારણે 1 મીલીમીટરથી લઇ 144 મીલીમીટર જેટલો વરસાદ ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો છે. ગુજરાતમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકોમાં કપાસ, તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. વરસાદની માત્રા ઓછી થશે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકાર દ્વારા ખેડૂતોને જે પણ કાંઇ નુકસાન થયું છે, તેનો સર્વે કરી સહાય કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે. જેના કારણે વિવિધ વિસ્તારોમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે. તેનો પણ સર્વે કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને સહાય કરવા સરકાર કટિબદ્ધ છે. 

કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ કમોસમી વરસાદને લઇને નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, નુકસાનીના સર્વેની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના અપાઇ છે. 

નોંધનીય છે કે હાલમાં વિદેશ પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે અને રાજ્યના વહીવટી તંત્રને સતત કાર્યરત રહેવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ પણ નુકસાનીના સર્વે બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. દરમિયાનમાં રાધનપુરના ધારાસભ્ય લાવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી સહાય માટે રજૂઆત કરી છે. ઠાકોરે રાધનપુર, સાંતલપુર, સમી તાલુકામાં સહાય માટે રજૂઆત કરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને રવીપાકમાં મોટું નુકસાન થયું છે.

 

રાજ્યમાં માવઠાનો અંત, હવામાન વિભાગની જાહેરાત

 

રાજ્યમાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું: માવઠાનાં કારણે ઠંડીનું જોર વધશે

અમદાવાદ, તા. 27: (ફૂલછાબ ન્યુઝ)  સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં શિયાળે માવઠાએ કહેર મચાવ્યો છે. ગઈકાલે ગાજવીજ અને કરા સાથે મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેનાં કારણે ખેતીપાકમાં ભારે નુકસાન થયું છે. આજે પણ આખો દિવસ વરસાદી વાતાવરણ રહયું હતું ત્યારે હવે કમોસમી વરસાદ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં માવઠાનો અંત આવ્યો છે. આજે ફક્ત 27 તાલુકામાં જ 1 મી.મી.થી 45 મી.મી. સુધીનો છુટાછવાયો વરસાદ થયો છે. સૌથી વધુ તાપીન કુકરમુંડા અને વલસાડના કપરાડામાં અનુક્રમે 45 મી.મી. અને 44 મી.મી., જ્યારે નવસારીના ચીખલી અને  જલાલપોરમાં અનુક્રમે 20 મી.મી અને 17 મી.મી વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઇ જતાં હવે વરસાદ નહીં પડે. જો કે, રાજ્યમાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે. માવઠાના કારણે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આરવી છે

હવામાન નિષ્ણાતો અનુસાર, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાનાં કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે.

ગિરનાર 13 ડિગ્રી તાપમાનથી ઠંડોગાર

સોરઠમાં માવઠાના વરસાદ બાદ સવારથી ઠંડો પવન ફુંકાતા ગિરનાર પર્વત ઉપર તાપમાન 13 ડિગ્રીએ પહોંચતાં ઠંડાગાર છવાયો છે. જૂનાગઢમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી, ન્યુનત્તમ 18 ડિગ્રી ભેજ 60 ટકા અને પવન 14 કિ.મી.નોંધાયો હતો તે જ પવનથી શિયાળાની પ્રથમ ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે.

 

 

Budget 2024 LIVE

Crime

કોર્ટ કેસ ચાલુ હોવાથી જેલમાં જવું ન પડે માટે વૃદ્ધ વેપારીએ ચીલઝડપ થયાનું રચ્યું’તું તરકટ આર્થિક ભીંસ અને જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીએ ખેલ કર્યો’તો February 23, Fri, 2024