મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે રૂ.13,000 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા મોદી
અમદાવાદ, તા.22 : ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ આજે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. આજે દેશભરમાં દેવકાર્ય સાથે દેશકાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે. મંદિરો માત્ર પૂજાપાઠના સ્થાન નહીં પરંતુ હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક પરંપરા છે. આજનો પ્રાણ પ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વિકાસનો આગવો ઉત્સવ બની રહ્યો છે. આજના વિકાસ ઉત્સવથી યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એટલું જ નહીં, લોકોનું જીવન સરળ બનશે તેવું આજરોજ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે રૂ.13,000 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું,
વડાપ્રધાને ઉમેર્યુ હતું કે, મંદિરો આધ્યાત્મિક ચેતનાના પ્રતીક છે. મંદિર દેશ-સમાજને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. મંદિર શિક્ષણ અને સમાજ સુધારણાના કેન્દ્ર સમાન છે. મોદીએ દેશની મહામૂલી વિરાસતના જતન-સંવર્ધન અંગે જણાવ્યું હતું કે કોઈ પણ દેશની પ્રગતિ તેની વિરાસતના સંવર્ધનથી આગળ વધે છે. આજે સમગ્ર દેશ રામ મંદિરના નિર્માણથી ખુશ છે. વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસ્તીના પ્રમાણો મળ્યા છે. ધોળાવીરામાં પ્રાચીન ભારતના દિવ્ય દર્શન થાય છે. આ વિરાસતો ભારતનું ગૌરવ છે અને આપણને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ છે.
વડાપ્રધાને ઉમેર્યુ હતું કે વિકસિત ભારતના નિર્માણનો અમારો આજનો પ્રયાસ ભાવિ પેઢી માટે રાષ્ટ્રની વિકાસ યાત્રાને સમજવા માટે વિરાસત રૂપ બની રહેશે. આધુનિક રસ્તા, રેલવે લાઇન, આધુનિક આંતર માળખાકીય સુવિધા વિકસિત ભારતનો ધોરીમાર્ગ બનશે. આજે વિકાસ સાથે જોડાયેલા રૂ.13,000 કરોડના વિવિધ વિકાસકામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આ પ્રોજેક્ટમાં રેલવે, ટ્રાન્સપોર્ટ, રોડ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી વિકાસ, ટુરિઝમ જેવા અનેક મહત્ત્વનાં વિકાસ કામો જોડાયેલાં છે.
તેમણે ઉમેર્યુ હતું કે, મોદીની ગેરંટીનું લક્ષ સમાજના છેવાડાના માનવીનું જીવન બદલવાનું છે. એટલે જ એક તરફ દેવાલય બની રહ્યા છે અને બીજી બાજુ કરોડો ગરીબના પાકા ઘર પણ બની રહ્યાં છે. આજે દેશમાં 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યુ છે. દેશના 10 કરોડ નવા પરિવારોને નળથી જળ મળવાની પણ શરૂઆત થઈ છે. આજે ડીસામાં નિર્માણ થયેલા રન-વેથી અહી સુરક્ષાનું બહુ મોટું કેન્દ્ર વિકસિત થઈ રહ્યું છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરભ ગામના વાળીનાથ ભગવાન દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાને સભા મંડપમાં આવતા ખુલ્લી ગાડીમાં બેસીને માદરે વતનના નાગરિકોનું અભિવાદન પણ ઝલ્યું હતું. સર્વે નાગરિકોએ ઉત્સાહભેર વાળીનાથ ભગવાનની જયઘોષ કરી આવકાર આપ્યો હતો.
મોદીના હસ્તે મહેસાણાના તરભ ખાતે વિવિધ વિભાગોના રૂ. 13 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ. 2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું, જેનાથી રાજ્યની 8,030 ગ્રામ પંચાયતોને લાભ મળશે. રૂ. 2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રૂ. 1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ. 1700 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ રૂ. 394 કરોડના ખર્ચે નિર્માણ થયેલા એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ કરાયું હતુ.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રૂ. 2100 કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગઇંઅઈં)ના રૂ. 1685 કરોડના ખર્ચે બે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત તથા ઊર્જા મંત્રાલયના રૂ. 612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ. 507 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગના 9 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રૂ. 108 કરોડના ખર્ચે ઈંખઉ- પ્રવાસન વિભાગનાં 3 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. 36 કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતું અને જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગઇંઅઈં દ્વારા 10,070 કરોડથી વધુના ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક હિસ્સાનો નવસારીથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતૉ.